આજના સમયમાં સોશિયલ મીડિયાનું વિસ્તરણ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે અને તેમાં બાળકોની હાજરી પણ વેગ પકડી રહી છે. એવું જોવા મળે છે કે બાળકોને નાની ઉંમરથી જ સ્માર્ટફોનની લત લાગી રહી છે અને તેઓ તેમનો ઘણો બધો સમય તેની સાથે પસાર કરવાનું પસંદ કરવા લાગ્યા છે. જોકે, બાળકો પર સોશિયલ મીડિયાની સારી અને ખરાબ બંને અસરો જોવા મળી છે. સોશિયલ મીડિયાની ખરાબ અસરો માટે ઘણા પરિબળો છે, જેને લોકો અવગણતા હોય એવું લાગે છે. આ મુદ્દાને ભારતના સફળ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ બાળકોની સામે ઉઠાવ્યો છે અને સીધી બાળકો સાથે વાતચીત કરીને તેમને સોશિયલ મીડિયાની અસરોથી થતા નુકસાનથી વાકેફ કર્યા છે. વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી બાળકોની માનસિક સ્થિતિ પર ખરાબ અસર પડી શકે છે. આ અંગે થયેલા એક સંશોધનથી જાણવા મળ્યું છે કે સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગથી બાળકોમાં માનસિક સમસ્યાઓ પણ વધી શકે છે. તે તેમના જ્ઞાનાત્મક નિયંત્રણ પર પણ નકારાત્મક અસર કરી શકે છે.
નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં “પરીક્ષા પર ચર્ચા’ કાર્યક્રમની 5મી આવૃત્તિ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષામાં ઉત્સવનું વાતાવરણ બનાવવા અને તેને રંગોથી ભરવાની વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, આ કાર્યક્રમ મારા માટે ખાસ આનંદનો છે કારણ કે લાંબા સમયગાળા પછી મને તમને લોકોને મળવાનો મોકો મળ્યો છે. પરીક્ષાઓને લઈને તણાવની સ્થિતિમાં શું કરવું જોઇએ તે પ્રશ્નના જવાબમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે – પરીક્ષા એ જીવનનો એક સ્વાભાવિક હિસ્સો છે, આપણી વિકાસ યાત્રાનો એક તબક્કો છે અને આપણે ઘણી વખત તેમાંથી પસાર થયા છીએ. તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી કે, તમારી દિનચર્યા જેટલી સરળ હોય છે તેટલી જ સરળતાથી પરીક્ષાના દિવસો પણ પસાર કરો. તમારા મનમાં જે ગભરાટ હોય છે તે માટે હું તમને વિનંતી કરું છું કે તમે કોઈપણ દબાણમાં ન રહો. વડાપ્રધાને વિદ્યાર્થીઓને કહ્યું કે કોઈની વાત પર ન જશો, પરંતુ પહેલાથી જે આવડે છે તેની સાથે આત્મવિશ્વાસપૂર્વક આગળ વધો.
તેમણે બાળકોના જીવન પર સોશિયલ મીડિયાની અસર અંગે ચિંતા વ્યક્ત કરી અને બાળકોને પૂછ્યું કે જ્યારે તમે ઓનલાઈન અભ્યાસ કરો છો ત્યારે તમે ખરેખર અભ્યાસ કરો છો કે રીલ જુઓ છો? દોષ ઑનલાઈન કે ઓફલાઈનનો નથી. વર્ગખંડમાં પણ, ઘણી વખત તમારું શરીર વર્ગખંડમાં હશે, તમારી નજર શિક્ષક તરફ હશે, પરંતુ તમારા કાનમાં એક પણ શબ્દ જશે નહિ, કારણ કે તમારું મન બીજે ક્યાંક હશે. માધ્યમ સમસ્યા નથી, મન સમસ્યા છે. સમયની સાથે-સાથે માધ્યમ બદલાતું રહે છે. ઑનલાઈન અભ્યાસને સમસ્યાના બદલે તક તરીકે જોવું જોઈએ. ઑનલાઈન મેળવવા માટે છે, ઓફલાઈન બનવા માટે છે. ઑનલાઈન મારફત વિશ્વની કોઈપણ વસ્તુ મળી શકે છે. જ્યાં સુધી આપણે બાળકની શક્તિ, મર્યાદાઓ, રુચિ અને તેની અપેક્ષાને ઝીણવટથી જાણવાનો પ્રયાસ નહિ કરીએ તો ક્યાંકને ક્યાંક તેને ઠોકર વાગી જાય છે.
વડાપ્રધાને એમ પણ કહ્યું કે હું દરેક માતા-પિતા અને શિક્ષકને કહેવા માંગુ છું કે તમે તમારા મનની આશા-અપેક્ષા મુજબ તમારા બાળક પર બોજ ન બની જાવ, તેનાથી બચવાનો પ્રયાસ કરો, શિક્ષણ અંગેની રાષ્ટ્રીય નીતિ વ્યાપક ચર્ચા બાદ આવી છે. 20મી સદીની પદ્ધતિ કે નીતિથી 21મી સદીમાં આગળ વધી ના શકાય, તેથી આપણે આપણી બધી પદ્ધતિઓને બદલવાની જરૂર છે, નહિ તો આપણે પાછળ રહી જઈશું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વ્યક્તિત્વના વિકાસની તકો આપી રહી છે. તેને જેટલું આપણે સીધી રીતે ધરતી પર લાવીશું, તો તેનાથી ઘણો ફાયદો મળશે.
તેમણે એવું પણ જણાવ્યું કે આપણા સમાજમાં આજે અમર્યાદિત સંસાધનો છે. તો તમે તમારી જાતને કેટલી વ્યાપક કરી શકો છો. તમે તમારી જાતને કેટલી વિસ્તૃત કરી શકો છો. એટલી જ વસ્તુઓ તમે અપનાવતા રહેશો. અને તેથી ઑનલાઇનને એક તક સમજો. પણ અહીં-તહીં ભટકીને કામ કરતા હો તો ટૂલ પણ ઉપલબ્ધ છે. તમે જોયું હશે કે તમારા દરેક ગેજેટમાં ટૂલ છે. જે તમને સૂચનાઓ આપે છે. ચેતવણી આપે છે, આ કરો, આ ન કરો, હવે થોભો, થોડો સમય આરામ કરો, હવે તમારે 15 મિનિટ પછી ફરી આવવાનું છે. તે 15 મિનિટ પછી આવશે. તમે આ ટૂલનો ઉપયોગ કરીને તમારી જાતને શિસ્તમાં લાવી શકો છો. મેં જોયું છે કે ઘણા એવા બાળકો છે જેઓ ઑનલાઇન આ ટૂલ્સનો મહત્તમ ઉપયોગ કરે છે.
સલાહ આપતા તેમણે જણાવ્યું હતું કે તમારી જાતને મર્યાદિત કરો છો. બીજું, જીવનમાં પોતાની સાથે જોડાવું પણ એટલું જ મહત્વનું છે. જેટલો આઈપેડની અંદર ઘુસવામાં આનંદ મળે છે. મોબાઇલ ફોનની અંદર ઘુસવામાં આનંદ આવે છે. એના કરતાં હજાર ગણો વધારે આનંદ પોતાની અંદર ઘુસવાનો પણ છે. તો આખા દિવસમાં કેટલીક ક્ષણો એવી કાઢો કે જ્યારે તમે ઓનલાઈન પણ ન હોવ, ઓફલાઈન પણ ન હોવા ઇનર લાઇન હોવ. જેટલા અંદર જશો તેટલી તમે તમારી ઊર્જાને અનુભવશો. જો તમે આ વસ્તુઓ કરશો તો મને નથી લાગતું કે આ બધી પરેશાનીઓ તમારા માટે મુશ્કેલી ઊભી કરશે. નવભારત ટાઇમ્સ અનુસાર, આજકાલ પુખ્ત લોકો જ નહિ પરંતુ બાળકો પણ સ્માર્ટફોનના બંધાણી બની ગયા છે. સોશિયલ મીડિયા આપણા જીવનનો એક સક્રિય ભાગ બની ગયા છે જેને આપણે ઈચ્છીએ તો પણ અવગણી શકતા નથી. જો કે, માતાપિતા તરીકે, તમને એ ખબર હોવી જોઇએ કે બાળકના વિકાસ પર સોશિયલ મીડિયાની શું અસર થઈ શકે છે.
પરીક્ષા પર ચર્ચા દરમિયાન પીએમ મોદીએ અભ્યાસ અંગે શિક્ષકો અને માતા-પિતાના વલણમાં આવેલા પરિવર્તનનો પણ ઉલ્લેખ કર્યો હતો. મોદીએ જણાવ્યું કે જૂના જમાનામાં શિક્ષક પરિવાર સાથે સંપર્ક રાખતા હતા. પરિવારો તેમના બાળકો માટે શું વિચારે છે તેનાથી શિક્ષકો પરિચિત રહેતા હતા. શિક્ષકો શું કરે છે તેનાથી પરિવાર પરિચિત રહેતો હતો. એટલે કે ભણતર શાળામાં ચાલતું હોય કે ઘરમાં, બધા એક જ મંચ પર હતા, પરંતુ હવે બાળક આખો દિવસ શું કરે છે તે જોવા માટે માબાપ પાસે સમય નથી. શિક્ષકને ફક્ત સિલેબસ સાથે જ લેવાદેવા હોય છે કે મારું કામ થઈ ગયું, મેં બહુ સારી રીતે ભણાવ્યું પણ બાળકનું મન કંઈક બીજું જ કરે છે.
સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ બાળકોની માનસિક સ્થિતિ પર ખરાબ અસર પાડી શકે છે. આના પર થયેલા એક સંશોધનમાંથી જાણવા મળે છે કે સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ બાળકોમાં માનસિક સમસ્યાઓ પણ વધારી શકે છે. તે તેમના જ્ઞાનાત્મક નિયંત્રણ પર પણ નકારાત્મક અસર કરી શકે છે. એનસીબીઆઈ-નેશનલ સેન્ટર ફૉર બાયોટેક્નોલોજી ઈન્ફોર્મેશનની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ બાળકોમાં ચિંતાનું કારણ પણ બની શકે છે. ઘણીવાર મનોવૈજ્ઞાનિકો તેમની સારવાર દરમિયાન બાળકોમાં ચીડિયાપણું આવવાનું મુખ્ય કારણ સોશિયલ મીડિયા હોવાનું માને છે. સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. પરિણામે, સોશિયલ મીડિયા પણ બાળકોમાં ચિંતાની સમસ્યા પણ પેદા કરી શકે છે.
આ પ્રકરણમાં સૌ પ્રથમ પગલું અમેરિકાએ ભર્યું છે, અહીં બાળકો પર સોશિયલ મીડિયાની નકારાત્મક અસરને ધ્યાનમાં રાખીને, સોશિયલ પ્લેટફોર્મ્સ પર કડકાઇ માટે “કિડ્સ ઑનલાઈન સેફ્ટી ઍક્ટ-2022 રજૂ કરવામાં આવ્યો છે. આ બિલ રિપબ્લિકન પાર્ટીની માર્થા બ્લેકબર્ન અને ડેમોક્રેટિક સેનેટર રિચાર્ડ બ્લુમેન્થલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. બ્લેકબર્ન કહે છે કે સોશિયલ મીડિયાની નકારાત્મક અસર બાળકો અને કિશોરો પર વધુ પડી રહી છે. તેની ટેક કંપનીઓ જરા પણ ચિંતા નથી, તેથી સખત પગલાં લેવા જરૂરી છે. બિલ અનુસાર, સોશિયલ મીડિયા કંપનીઓએ યુઝર્સને પ્રાઈવસી ઓપ્શન આપવો પડશે. ‘બંધાણીવાળી’ સુવિધાઓને ડિસેબલ કરવાની સાથે પેજ અથવા વિડીયોને લાઇક કરવામાંથી ઓપ્ટ આઉટની સુવિધા આપવી પડશે. એ જ રીતે, કંપનીઓએ એપ્લિકેશનમાં એવા ટૂલ્સ આપવા પડશે, જેનાથી માતાપિતા તે જાણી શકે કે બાળકે સોશિયલ મીડિયા પર કેટલો સમય વિતાવ્યો છે. આની મદદથી તેઓ બાળકોને એપના વ્યસનથી બચાવી શકશે. બિલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા કંપનીઓ નવા નિયમોનું કેટલી સારી રીતે પાલન કરી રહી છે તેના માટે તૃતીય પક્ષને જવાબદારી આપવાની રહેશે, જે આ કંપનીઓ દ્વારા લેવામાં આવેલા પગલાંની સમીક્ષા કરશે.
પર્યાવરણ સંરક્ષણ અને પશુ કલ્યાણની દિશામાં કામ કરતી રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સંસ્થા સમસ્ત મહાજને વડાપ્રધાનના મનની પીડાને ખૂબ ગંભીરતાથી લીધી છે. સમસ્ત મહાજનનું માનવું છે કે બાળકોની સમસ્યાઓને બાળકો સાથે વ્યક્ત કરનારા વડાપ્રધાનના મનમાં ક્યાંકને ક્યાંક બહુ મોટી પીડા છુપાયેલી છે અને તેમણે ઑનલાઈન શિક્ષણની ખામીઓને ખૂબ જ સરળતા સાથે ધ્યાનમાં લીધી છે. બાળકો સાથેની મજાકમાં જ તેમણે મનની વ્યથા કહી દીધી. એમાં કોઈ શંકા નથી કે આજે સોશિયલ મીડિયા પર ખૂબ સરળતાથી એડલ્ટ કન્ટેન્ટ ઉપલબ્ધ છે, જેની સીધી અસર બાળકો પર પડશે. આ મામલે વડાપ્રધાન દ્વારા યોગ્ય પગલાં લેવા જોઈએ. સમસ્ત મહાજન સંસ્થા વતી, ભારતના રાષ્ટ્રપતિથી લઈને તમામ રાજ્યોના રાજ્યપાલો, સાંસદો, મંત્રીઓ, મુખ્યમંત્રીઓ અને ધારાસભ્યો સુધી આ સંદેશો પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- ગિરીશભાઈ શાહ (મો . 9820020976 )