- આચાર્ય લોકેશજીએ જૈન પ્રાર્થના અને મહાવીર વાણી રજૂ કરી હતી.
- “ભગવાન મહાવીરના અહિંસાના દર્શનથી વિશ્વ શાંતિ શક્ય છે”- આચાર્ય લોકેશજી
અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક અને પ્રસિદ્ધ જૈનાચાર્ય, ડૉ. લોકેશજીએ મહાત્મા ગાંધીની 74મી પુણ્યતિથિ નિમિત્તે સર્વ ધર્મ પ્રાર્થના સભા દરમિયાન જૈન પ્રાર્થના રજૂ કરીને ભગવાન મહાવીરના અહિંસા અને નિઃસ્વાર્થતાના સિદ્ધાંતોને પુનર્જીવિત કર્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી અને લોકસભા અધ્યક્ષ બિરલાજી એ ગાંધી સ્મૃતિ પર આયોજિત સર્વ ધર્મ પ્રાર્થના દરમિયાન રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે સ્મૃતિ અને દર્શન સમિતિના ઉપાધ્યક્ષ વિજય ગોયલજી પણ ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય લોકેશજી એ ભગવાન મહાવીરની વાણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અહિંસાનો સિદ્ધાંત જણાવે છે કે હિંસા પ્રતિ-હિંસાને જન્મ આપે છે, યુદ્ધ, હિંસા અને આતંકવાદ કોઈપણ સમસ્યાનો ઉકેલ નથી. વાતચીત દ્વારા દરેક સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. અનિકાન્ત ફિલસૂફી કહે છે કે, આપણે આપણા જેવા બીજાના અસ્તિત્વ અને વિચારોને માન આપતા શીખવું જોઈએ. અપરિગ્રહ સિદ્ધાંત કહે છે કે, જો તમારો ભાઈ ભૂખ્યો સૂઈ જાય અને તમે પૂરતું ખાઓ તો તમે મોક્ષને લાયક નથી. તેમણે કહ્યું કે ભગવાન મહાવીરના સિદ્ધાંતોને જીવનમાં લાગુ પાડીને આપણે સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકીએ છીએ. આ પ્રસંગે આચાર્ય લોકેશજીએ નવકાર મહામંત્ર, મંગલ પાઠ અને ક્ષમા સૂત્રનું ગાન કર્યું હતું. આ પ્રસંગે બૌદ્ધ, ખ્રિસ્તી, પારસી, બહાઈ, યહૂદી, મુસ્લિમ, જૈન ધર્મોની પ્રાર્થના, કુરાન શરીફનું પઠન, ગુરુ ગ્રંથ સાહિબનું પઠન, શબદ કીર્તન અને ગીતા પઠન સાથે જાણીતા ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિ અને ડૉ. એલ. સુબ્રમણ્યમ એ ભક્તિ સંગીત પ્રસ્તુત કરીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી.
