• 24 કલાક પશુ, પક્ષીઓ માટે સારવાર અને ખોરાક, પાણીની વ્યવસ્થાઓ કરાશે : પ્રજાજનોને પણ પશુધનની કાળજી લેવા અપીલ  


કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન, રાજકોટની ટીમ વાવાઝોડા બીપરજોય દરમિયાન પશુ, પક્ષીઓની સારવાર માટે તૈયાર રહેશે. રાજકોટમાં છેલ્લા 19 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાના મોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર કરતી ભારત સરકારનો સર્વોચ્ચ એવોર્ડ વિજેતા, ભારતની સૌથી મોટી સંસ્થા છે. 

વાવાઝોડા દરમિયાન પ્રજાની સાથે સાથે અનેક અબોલ પશુ, પક્ષીઓ પણ હેરાન થાય તેવી ભીતિ છે. રાજકોટ શહેર તથા આસપાસનાં વિસ્તારોમાં પશુ, પક્ષીઓનું જીવન બચે તેવા ઉમદા અને પવિત્ર આશયથી કાર્ય કરતી એનીમલ હેલ્પલાઈનની સેવાઓ અને તેના કર્મઠ 50 જેટલા કર્મચારીઓ 24 કલાક કોઈ પણ ઈમરજન્સી માટે ખડે પગે રહેશે. વાવાઝોડાથી હેરાન થયેલ તમામ પશુ, પક્ષીઓને શક્ય તમામ મેડીકલ હેલ્પ અને આશ્રય પહોચાડવાની વ્યવસ્થાનું પ્રબંધ કરશે. બિનવારસી પશુ, પક્ષીઓની ચિંતા, કાળજી જે તે વિસ્તારમાં વસતા લોકોએ પણ કરવી જોઈએ. આપત્તિનાં સમયમાં તમામ પશુ, પક્ષીઓ – જીવસૃષ્ટિ માટે ખોરાક, પાણી, આવાસ, સારવાર માટે હેરાન – પરેશાન થતા હોય છે ત્યારે તેની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવી જોઈએ, કરવામાં સહકાર આપવો જોઈએ. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે પક્ષીઓ વૃક્ષ પર  માળા બનાવીને રહેતા હોય છે, ઘણીવાર તેમના નાના નાના બચ્ચાઓ પણ એ માળામાં રહેવાસ કરતા હોય છે. કુદરતી આફતો સમયે જોરથી પવન ફૂંકાવા કે અતિવૃષ્ટિની સંભાવના રહેતી હોય ત્યારે પક્ષીઓનાં માળા ઝાડ પરથી પડી જવા, તેમના બચ્ચાઓને નુકસાન થવું વગેરે જેવી ઘટનાઓ બનતી હોય છે. આવા સમયે તેમની તકેદારી રાખવી જોઈએ. પ્રજાજનોને પશુ, પક્ષી સારવાર અર્થે કોઈ પણ મદદ માટે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન, રાજકોટનાં પ્રજાજનોને (મો. 9898499954/9898019059) પર 24 કલાક સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.   

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *