• માલિકીનાં પશુઓ – પક્ષીઓની સાથે બિનવારસી પશુઓ – પક્ષીઓની પણ કાળજી લઈએ

પશુપાલકોએ વરસાદ, પવન, અતિવૃષ્ટિ કે વાવાઝોડાની વર્તમાનપત્રો, ટી.વી., રેડીઓ વગેરે માધ્યમોમાં સરકારશ્રી દ્વારા આપવામાં આવતી ચેતવણી કે આગાહી બાબતે હંમેશા સતર્ક રહેવું જોઇએ. વરસાદ સમયે પશુપાલકોએ પોતાની માલિકીનાં પશુઓને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા જોઇએ અને તેમને ખવડાવવા માટે સૂકા ઘાસચારાનો પર્યાપ્ત સંગ્રહ અગાઉથી યોગ્ય જગ્યાએ કરી રાખવો જોઇએ. પશુઓને રાખવાની જગ્યા શક્ય એટલી ઉંચાણવાળી અને કાદવ કીચડ ન થાય તેવી પસંદ કરવી જોઈએ. પશુઓની સંભાળ રાખવા વિવિધ તકેદારીઓ પણ રાખવાની હોય છે. જેમ કે ભારે વરસાદ, પૂર વાવાઝોડા વખતે પશુઓને સાંકળ દોરીથી ખીલે બાંધી રાખવા નહીં , કારણ કે બંધન મુક્ત પશુ પોતાની રીતે સલામત સ્થળે જઇ સ્વબચાવ કરી શકે છે. ભારે વરસાદ, આકાશી વીજળી કે કુદરતી આપત્તિનાં કોઈ પણ કારણસર પશુમરણ થાય ત્યારે સ્થાનિક ગ્રામ પંચાયતને તેમજ નજીકનાં પશુ દવાખાનાને સત્વરે જાણ કરવી જોઈએ તેમજ મૃત પશુઓ માટે ઊંડો ખાડો ખોદી રાસાયણિક પાઉડરનો છંટકાવ કરી વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવો જોઈએ, આસપાસના પશુચિકિત્સકોની ફોન નંબર સાથેની માહિતી હાથવગી રાખવી, પશુધન માટે સૂકાચારા તથા સ્વચ્છ પાણીનો પૂરતા પ્રમાણમાં યોગ્ય સ્થળે સંગ્રહ કરવો, પશુઓને ઝાડ, છાપરા નીચે, જર્જરીત રહેઠાણ કે દીવાલ નજીક રાખવા નહીં, પશુધનને વિજળી થાંભલા પાસે/સાથે બાંધવા નહીં, ઘેટાં, બકરાં, મરઘાં જેવા પશુ-પક્ષીઓ ગુંગળાઈ ન જાય તે માટે તકેદારી રાખવી, ઘેટાં, બકરાં, મરઘાં જેવા પશુ-પક્ષીઓ ગુંગળાઈ ના જાય તે માટે તકેદારી રાખવી જોઈએ, બિમાર પશુઓની નજીકનાં ‘પશુ સારવાર કેન્દ્ર’ ખાતે તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ, ગામમાં ચેપી રોગચાળા જેવી પરિસ્થિતિની જાણ નજીકના પશુ દવાખાના ખાતે તુરંત કરવી જોઈએ,આફત સમયે પશુ રહેઠાણમાં ઝેરી જીવજંતુની ચકાસણી કર્યા બાદ જ પશુઓને રાખવા જોઈએ.

વાવાઝોડુ કે વંટોળ પશુપાલન વ્યવસ્થા માટે નુકશાનકારક છે, કારણકે વાવાઝોડા કે વંટોળથી પશુ આહાર ભીનો થઈ જાય છે વળી ઝાડની ડાળી કે આખુ ઝાડ ઘાસચારા પર પડે છે, ત્યારે આવો ઘાસચારો પશુને ખવડાવવા જેવો રહેતો નથી. આવી કોઈ પણ પરિસ્થિતી પશુપાલકો માટે ચિંતા ઉપજાવે છે. ભીંજાયેલા અનાજનાં દાણામાં ફુગ લાગવાની શકયતા વધુ છે. તદઉપરાંત તે જલદી સળગી પણ ઉઠે છે એટલે સુકાદાણાને અલગ કરી ભેજ રહિત જગ્યાએ સંગ્રહ કરવો અને ભેજરહિત અનાજના દાણા પશુને ખવડાવવા જોઈએ. બિનવારસી પશુ, પક્ષીઓની ચિંતા, કાળજી પણ આસપાસનાં લોકોએ કરવી જોઈએ. આપત્તિનાં સમયમાં તમામ પશુ, પક્ષીઓ – જીવસૃષ્ટિ માટે ખોરાક, પાણી, આવાસ, સારવારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવી જોઈએ, કરવામાં સહકાર આપવો જોઈએ. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે પક્ષીઓ વૃક્ષ પર  માળા બનાવીને રહેતા હોય છે, ઘણીવાર તેમના નાના નાના બચ્ચાઓ પણ એ માળામાં રહેવાસ કરતા હોય છે. કુદરતી આફતો સમયે જોરથી પવન ફૂંકાવા કે અતિવૃષ્ટિની સંભાવના રહેતી હોય ત્યારે પક્ષીઓનાં માળા ઝાડ પરથી પડી જવા, તેમના બચ્ચાઓને નુકસાન થવું વગેરે જેવી ઘટનાઓ બનતી હોય છે. આવા સમયે તેમની તકેદારી રાખવી જોઈએ. તેમને જરૂરી ખોરાક, પાણી અને સારવાર મળે તેની વ્યવસ્થા કરવી જોઈએ. આફત સમયે ન્યુઝ ચેનલ્સ, અખબાર, રેડિયો અને કોઈ સરકારી માધ્યમથી મળેલ સૂચનાઓનો અમલ કરવો અને અફવાઓથી દૂર રહેવું.

-માહિતી સંકલન : મિત્તલ ખેતાણી (મો. 98242 21999)

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *