
વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જંગલ, જનાવરની સેવામાં કાર્યરત સમસ્ત મહાજનનાં કાર્યોમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ, સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતનાં અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે. વર્તમાન સમયમાં મુંબઈ ખાતે રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી ‘અર્હમ અનુકંપા’ પ્રોજેક્ટ હેઠળ 11 સુપર સ્પેશીયાલીટી એનીમલ એમ્બ્યુલન્સની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત હજારો જીવોને સ્થળ પર જ સારવાર તેમજ અભયદાન પ્રાપ્ત થયું છે અને તેમની જિંદગીઓ પણ બચી છે. સમગ્ર ભારતમાં આ પ્રકારની એમ્બ્યુલન્સ સરકાર તેમજ સમાજ અને સંસ્થાઓનાં માધ્યમથી થાય તે માટે ગિરીશભાઇ શાહ સતત કાર્યશીલ છે. ગિરીશભાઇ શાહ છેલ્લા કેટલાક વર્ષોથી ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડનાં સભ્ય તરીકે પણ પોતાની સેવા આપી રહ્યા છે. ‘વિશ્વ હિન્દુ પરિષદ’નાં સંગઠન મંત્રી મિલિન્દજી પરાંડેએ થાણા- મુંબઈમાં સમસ્ત મહાજન સંચાલિત એનિમલ એમ્બ્યુલન્સની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી ગિરીશભાઇ સત્રા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ’નાં સંગઠન મંત્રી મિલિન્દજી પરાંડેનું વૃક્ષની પ્રતિકૃતિ ધરાવતા મોમેન્ટો દ્વારા અભિવાદન કરાયું હતું. સમસ્ત મહાજનની સેવાભાવી પ્રવૃતિઓ આ વિશ્વને સુંદર બનાવવામાં તેનું યોગદાન આપી રહી છે. સમગ્ર ‘અર્હમ અનુકંપા’ પ્રોજેક્ટનાં ઇન્ચાર્જ તરીકે સમસ્ત મહાજનના ટ્રસ્ટી પરેશભાઈ શાહ પોતાની સેવા આપી રહ્યા છે.