
કોરોનાકાળમાં પીડિતોને વિષ્ણુ પાઠ પરિવાર (યુ.કે) તરફથી ૧૦ લાખની સહાય
ગરીબ પરિવારો, થેલેસેમીયા પીડિત અને માનસિક અસ્થિર બાળકોનાં પરિવારોને આર્થિક સહાય
છેલ્લા બે વર્ષથી કોરોનાની જે મહામારીનો સમગ્ર દુનિયા સામનો કરી રહી છે એવા સમયે ભારતમાં જયારે કોરોનાની બીજી લહેર આવી તેમાં ખરેખર ભયાનક કહી શકાય એવી પરીસ્થિતિ હતી. જરૂરી દવાઓ અને ઓકિસજન શોધવા લોકો ખુબ દોડા દોડીમાં હતા. કોઈ કોરોનાથી પીડાતું હતું તો કોઈ પોતાનાં સ્વજનોની ચિંતામાં પીડાતું હતું. બીજી લહેરને કારણે લાગેલા પ્રતિબંધોએ દેશમાં ફરી એક વાર લોકોને કામ ધંધા વિહોણા કરી લીધા હતા. ગરીબ પરિવારો તો મુશ્કેલીથી પહેલી લહેર પછી બહાર આવ્યા હતા ત્યાં બીજી લહેરમાં તો ગરીબ પરિવારો સાથે નિમ્ન મધ્યમ વર્ગને પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. યુ.કે નાં વિષ્ણુપાઠ પરિવાર તરફથી આવા પરિવારો તેમજ થેલેસેમીયા પીડિત અને માનસિક અસ્થિર બાળકોનાં પરિવારોને આર્થિક સહાય આપવામાં આવી. આ માટે તેમનાં તરફથી ૧૦ લાખ રૂપિયાની રોકડ રકમ ફાળવવામાં આવી હતી. આ રકમનો સદુપયોગ કરવા માટે મિત્તલ ખેતાણીને નીમવામાં આવ્યા હતા. તેમના દ્વારા આ રકમનો ખુબ જ વ્યવસ્થિત અને સાચી જગ્યા પર ઉપયોગ થાય તેનું ખુબ ધ્યાન રાખવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કે આ રકમમાંથી રાજકોટમાં રૈયાધાર અને મુંજકા વિસ્તારમાં રહેતા ૧૦૦૦ પરિવારોને રૂ. ૧૦૦૦ ની બજાર કિંમત ધરાવતી સારી ક્વોલીટીની અનાજની કીટ સીધી જ મેન્યુફેકચર્સ તેમજ માર્કેટિંગ યાર્ડનાં સેવાભાવી લોકો પાસેથી ૬૭૫ રૂપિયાની પડતર કિંમતે ખરીદીને આપવામાં આવી હતી. તેમજ આ પરિવારો પોતાની જરૂરીયાત અનુસાર જરૂરી વસ્તુઓ ખરીદી શકે તે માટે એમને ૧૦૦ રૂપિયાની રોકડ રકમ પણ અલગથી આપવામાં આવી હતી. ઉપરાંત રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રક્ત ચડાવવા માટે આવતા ૩૦૦ થેલેસેમિયા પીડિત બાળકોને ૫૦૦ રૂપિયાની રોકડ સહાય કરવામાં આવી જેથી તે જરૂરી વસ્તુઓ, નાસ્તો કે ફ્રુટ ખરીદવું હોય અથવા નાની મોટી દવાઓ લેવી હોય તો લઈ શકે. આ મહામારીનાં કાળમાં અતિશય તકલીફ ધરાવતા માનસિક રીતે અસ્થિર બાળકો ધરાવતા પરિવારોને પણ સહાય કરવામાં આવી હતી. આવા ૩૫ પરિવારોને તેમનાં ઘરે જઇને હાથોહાથ તેમને રૂપિયા ૨૦૦૦ ની આર્થિક સહાય કરવામાં આવી. આ ઉપરાંત અનેક દર્દી નારાયણ, દરિદ્ર નારાયણને વિવિધ રીતે મદદ કરવામાં આવી હતી. વિષ્ણુપાઠ પરિવાર અને શાસ્ત્રીજી પિયુષભાઈ મહેતા પોતાના દેશથી દુર રહીને પણ પોતાના વતનને ભૂલ્યા નથી અને મુશ્કેલીનાં સમયે વતનની મદદે આવ્યા હતા.