- વૃક્ષમ શરણં ગચ્છામી
વૃક્ષોનું વાવેતર કરી, જંગલોનું રક્ષણ થાય, પર્યાવરણ સંવર્ધન થકી દેશમાં સમૃદ્ધિ આવે એ માટે આજે વધુને વધુને વૃક્ષોનું વાવેતર કરવું જરૂરી છે. વધતા જતા શહેરીકરણનાં કારણે દિવસે દિવસે વૃક્ષોની સંખ્યા ઓછી થતી જાય છે. શહેરો લંબાતા જાય છે અને ગામડાઓ એમાં વિલીન થતા જાય છે. રોજ રોજ નવા રોડ રસ્તા બનાવવામાં, ઇન્ડસ્ટ્રીઝ ઉભી કરવામાં કેટકેટલાં વૃક્ષોનો ભોગ લેવાય રહ્યો છે.
પર્યાવરણની જાળવણીમાં વૃક્ષો, જંગલો અત્યંત અગત્યનો ભાગ ભજવે છે. વૃક્ષો કાર્બન ડાયોક્સાઈડ શોષીને પ્રાણવાયુ આપે છે. વૃક્ષારોપણ માત્ર ચોમાસામાં જ થાય એ ખ્યાલમાંથી બહાર આવીને વધુમાં વધુ વૃક્ષોનું રોપણ કરવું આવશ્યક છે. જ્યાં ઈલેક્ટ્રોનિક તાર પસાર થતા હોય બરાબર તેની વચ્ચે વૃક્ષો ન વાવવા જોઈએ. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોનાં પર્ણો પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો જાતજાતનાં ફળો આપે છે. વૃક્ષોનાં મૂળિયાં જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. કેટલાંક વૃક્ષોના મૂળિયાં અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે. કેટલાંક વૃક્ષોનાં પાન પડિયા-પતરાળાં બનાવવાના કામમાં આવે છે. વૃક્ષો વાદળાંને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે. વળી વૃક્ષો ધરતીની શોભા છે. વૃક્ષો વિનાની ધરતી કેશ વિહોણા શીશ જેવી ઉજ્જડ લાગે છે. 50 વર્ષોમાં એક ઝાડ 20 કિલો ધૂળ શોષે છે, કુલ 700 કિલો ઓકિસજનનું ઉત્સર્જન કરે છે, 20 ટન કાર્બન ડાયોક્સાઈડ શોષે છે, 80 કિલો પારો, લિથિયમ, લેડ વગેરે ઝેરી ધાતુનાં મિશ્રણને શોષવાની ક્ષમતા ધરાવે છે, આશરે 1 લાખ ચોરસ મીટર દુષિત હવા ફિલ્ટર કરે છે, 35 લાખ રૂપિયાનાં વાયુ પ્રદુષણનું નિયંત્રણ, 41 લાખ રૂપિયાનાં પાણીનું રીસાયકલીંગ, 3% તાપમાનમાં ઘટાડો કરે છે. ગરમીમાં એક વૃક્ષની નીચે સરેરાશ ચાર ડિગ્રી સુધી તાપમાન ઘટે છે. ઘરની પાસે વૃક્ષ અકોસ્ટિક વોલની જેમ કામ કરે છે એટલે ઘોંઘાટ/ધ્વનિ શોષે છે. એક વયસ્ક વ્યક્તિ દ્વારા જીવનભર ફેલાયેલા પ્રદુષણ ને 300 ઝાડ મળીને શોષી શકે છે. આ માટે વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ.
– મિત્તલ ખેતાણી(મો. 98242 21999)