- વન વિભાગે આખા રાજ્યનાં વન અધિકારીઓને આપ્યા ઓર્ડર
વર્તમાન સમયમાં રાજયમાં વિકાસલક્ષી યોજનાઓ માટે લગભગ તમામ જિલ્લાઓમાં મોટાપાયે વૃક્ષો કાપવામાં આવે છે અને વૃક્ષો કાપવા માટે મંજૂરી પણ આપવામાં આવે છે ત્યારે વૃક્ષોમાં હજારો પક્ષીઓ નિવાસ કરતા હોય છે. તેમને ત્યાં પોતાના માળા પણ બનાવેલા હોય છે. માળામાં બચ્ચાં રહેતા હોય છે અને પક્ષીનાં ઈંડા પણ આ માળાઓમાં હોય છે. જયારે વૃક્ષને મશીન વડે થોડી મીનીટોમાં કાપીને નાંખી દેવામાં આવે છે તે સાથે આ પક્ષી સૃષ્ટિનો ક્રૂરતાપૂર્વક નાશ થાય છે. વૃક્ષને કાપનાર સરકારી તંત્ર અથવા કોન્ટ્રાકટર આ પક્ષી સૃષ્ટિ સાથે કોઈ સબંધ ન હોવાથી તેને બચાવવામાં આવતા નથી. વૃક્ષ પડી ગયા પછી પણ પક્ષી તથા બચ્ચાંઓ કલાકો સુધી તરફડતા રહે છે, તેને ખોરાક અને પાણી સુદ્ધા મળતા નથી. જયાં સુધી કુદરતી વાવાઝોડાનો પ્રશ્ન છે, તેને આસમાની આફત સમજીને અલગ રીતે વિચારી શકાય, પંરતુ જયારે સરકારી તંત્ર દ્વારા વૃક્ષોને કાપવામાં આવે ત્યારે તેમાં વસવાટ કરતી પક્ષી સૃષ્ટિને ચોકકસપણે બચાવવાની જરૂર છે અને તે સરકારની ફરજ પણ બને છે. આ માટે પ્રિવેન્શન ઓફ ક્રુઆલીટી ટુ એનીમલ્સ એક્ટ – 1960નું સેક્શન – 2, સેક્શન – 11(એ), આર્ટીકલ – 21, આર્ટીકલ – 51(એ)(જી) જેવી જોગવાઈઓ પણ છે. આ અનુસાર વૃક્ષને કાપી નાંખતા પહેલાં તેમાં વસવાટ કરતા પક્ષીઓ, બચ્ચાં, ઇંડા તથા માળાને બચાવી લઈ તેને સુરક્ષિત જગ્યા પર પહોંચાડવા અને તેનો કોઈપણ સંજોગોમાં નાશ ન થાય તે જોવાની તમામ કાળજી લેવાની ફરજ નાગરિકોની અને સરકારી તંત્રની બને છે. જે અંગે વૃક્ષ કાપતા પહેલા તેમાં રહેતા પક્ષીનાં બચ્ચા, માળા અને ઈંડાને સલામત ખસેડવા ‘એનિમલ વેલ્ફેર ફાઉન્ડેશન’નાં પંકજભાઈ બુચ અને ટીમ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. એમની રજૂઆતને માન્ય રાખીને વનવિભાગે પણ આ અંતર્ગત સંવેદના અનુભવી અને એનિમલ વેલ્ફેર ફાઉન્ડેશનની રજૂઆતને ધ્યાનમાં લઈને ગુજરાત રાજ્યનાં, વન્યપ્રાણી વિભાગનાં અગ્ર વન સંરક્ષક શ્યામલ ટીકાદાર દ્વારા વૃક્ષને કાપી નાંખતા પહેલાં તેમાં વસવાટ કરતા પક્ષીઓ, બચ્ચાં, ઇંડા તથા માળાને બચાવી લઈ તેને સુરક્ષિત જગ્યા પર પહોંચાડવા અને તેનો કોઈપણ સંજોગોમાં નાશ ન થાય તે જોવાની તમામ કાળજી લેવા માટે આખા રાજ્યનાં વન અધિકારીઓને પંકજભાઈ બુચની આ રજૂઆતને ધ્યાનમાં લઈને વન વિભાગે આખા રાજ્યનાં વન અધિકારીઓને ઓર્ડર આપ્યા છે. જીવદયાનાં આ શ્રેષ્ઠતમ કામ માટે ‘એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયા’નાં પ્રો-બોનો એડવોકેટ તેમજ પ્રખર જીવદયા પ્રેમી શ્રી એડવોકેટશ્રી નિમિષભાઈ કાપડિયા દ્વારા પણ અંતરની પ્રસન્નતા વ્યક્ત કરાઈ હતી અને આ ઉત્કૃષ્ટ કાર્ય અંગે એનીમલ વેલ્ફેર ફાઉન્ડેશનનાં પંકજભાઈ બુચને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.