કોરોના બીમારીને લઈને અનેક વૃધ્ધાશ્રમ આર્થિક મુશ્કેલીમાં આવ્યા છે. વૃધ્ધાશ્રમોને મળતું દાન અને આર્થિક મદદમાં પણ ખાસ્સા ઘટાડો થયો હોવાની વાત જાણવા મળી છે. આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા આવા કેટલાક વૃધ્ધાશ્રમો બંધ થવાની તૈયારીમાં હોવાની અને એ બંધ થાય તો એમાં આશ્રય લઈ રહેલા સેંકડો વૃધ્ધો નિરાધાર થવાની શકયતા ઉભી થઈ છે. ફંડના અભાવે હાલ અનેક વૃધ્ધાશ્રમો જીવનજરૂરીયાતની વસ્તુઓ અને દવાની તંગી અનુભવી રહયાં છે.
ગુજરાતના તમામ વૃધ્ધાશ્રમના વડીલોને દર મહિને ૧૫૦૦ રૂપીયાની કાયમી સહાય આપવા ગુજરાતના માનવતાવાદી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એનીમલ વેલફેર બોર્ડનાં મિતલ ખેતાણી દ્વારા વિનંતી કરાઈ છે. તે જ રીતે ગુજરાતના તમામ વૃધ્ધાશ્રમના વડીલોને તમામ ખાનગી હોસ્પીટલોમાં પણ તમામ પ્રકારની સારવાર નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવા વિનંતી છે. માં અમૃત્મ, માં વાત્સલ્ય કાર્ડ તેમજ આયુષ્યમાન ભારત કાર્ડની યોજનાઓનો લાભ વૃધ્ધાશ્રમનાં વડીલોને “બાય ડીફોલ્ટ” મળે, અથવા તંત્ર રૂબરૂ જઈને આ બધા વડીલોને કાર્ડ કાઢી આપે તેવી વ્યવસ્થા કરાવવા વિનમ્ર વિનંતી છે. આ બધા કાર્ડમાં કવર થતી બીમારીઓ સિવાય પણ અન્ય નાની – મોટી તમામ બીમારીઓની વૃધ્ધાશ્રમનાં વડીલો પુરતી રાજયની તમામ સરકારી કે ખાનગી હોસ્પીટલોમાં વિનામુલ્યે સારવાર થાય તે જોવા નમ્ર વિનંતી છે. તે જ રીતે આ વડીલોને અવસ્થાને લઈને નાનીમોટી બીમારી હોય જ છે જેની કાયમી દવા આ વડીલોને લેવી પડતી હોય છે. આ પ્રકારની દવાઓ પણ સરકારશ્રીમાંથી વૃધ્ધાશ્રમનાં વડીલોને નિઃશુલ્ક મળે તેવું સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીશ્રીને મિતલ ખેતાણી દ્વારા રજુઆત કરાઈ છે.
