
- રાજકોટનાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વૃક્ષારોપણ અને જતનનું કાર્ય સતત થઈ રહ્યું છે
- ગાંધીનગર, ખોડલધામ, સોમનાથ વેરાવળ, સાળંગપુર, ગારિયાધરમાં 1 લાખ વૃક્ષોનાં વાવેતર, ઉછેરની યોજના
- ‘પ્રકૃતિ પાડે પોકાર, વૃક્ષો માટે કરો વિચાર’
- ‘વૃક્ષોની પહેરાવી સાડી, મા ભોમને બનાવો હરિયાળી.’
વૈશ્વિક સ્તરે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલી ખ્યાતનામ કંપની જે.કે. સ્ટાર, બે સગાં ભાઈઓ શૈલેષભાઈ લૂખી અને નંદેશભાઈ લૂખી દ્વારા છેલ્લા 30 વર્ષથી ચલાવવામાં આવે છે. ગારીયાધારની બાજુમાં આવેલ નવાગામ આ માનવતાપ્રેમી ભાઈઓનું મૂળ વતન છે. હાલમાં આ અત્યંત દયાળુ પરિવાર મુંબઈમાં વસવાટ કરે છે. સમગ્ર સુરતને ‘ગ્રીન સિટી’ બનાવવા અને સુરતની ખરાં અર્થમાં સુરત બદલી નાંખવા માટે તેમણે માતબર રકમનું અનુદાન અત્યંત વિનમ્ર ભાવે અને કર્તવ્ય પાલનનાં ભાગ રૂપે ઘોષિત કર્યું હતું. 1 લાખથી પણ વધારે વૃક્ષો વાવી અને તેના ત્રણ વર્ષ સુધીનાં સુવ્યવસ્થિત ઉછેરનું સત્કાર્ય તેઓ દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમ(રાજકોટ)ને સેવાભાવ થી સોંપવામાં આવ્યું છે. 25 ટ્રેક્ટર અને 25 ટેન્કર તેમજ 100 માણસોનો પગારદાર સ્ટાફ ત્રણ વર્ષ સુધી સુરતમાં રોકાઈને આ ભગીરથ કાર્ય પૂર્ણ કરશે. સુરત શહેરમાં તથા આસપાસનાં જુદા-જુદા અનેક રસ્તાઓ પર વૃક્ષારોપણ કરીને રળીયામણા કરવામાં આવશે. સુરતના જુદા જુદા વિસ્તારોમાં ડિવાઇડરની વચ્ચે 8 ફુટ ઉંચા પીંજરા મુકીને તેની પર સરસ મજાનું ગ્રીન કવર કરી દીધું છે. લગભગ 40,000થી વધારે વૃક્ષો રોપી દેવામાં આવ્યા છે. લગભગ એક થી દોઢ મહિનામાં સમગ્રપણે 50,000થી વધારે રોપા લાગી જશે. સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા સૌરાષ્ટ્રનાં 190 ગામોમાં આ ભગીરથ અભિયાન હાથ ધરાયું છે અને મહ્દ અંશે સિદ્ધ થયેલું છે અને કામગીરી પુરજોશમાં શરૂ પણ છે.
સુરતમાં રોપાનાર વૃક્ષોનું આયુષ્ય 200 વર્ષથી વધારે હશે. 3 વર્ષની અંદર આ રોપા તોતીગ વૃક્ષોની જેમ ટટ્ટાર ઉભા હશે. સુરતમાં લીમડા, પીપળા, વડલા, કરજ, અર્જુન, આસોપાલવ, સીરસ, શિશ, રેન્ટ્રી, પીલખન, કદમ, ટેબુબિયા, પેથોડિયા, બોરસલી જેવા વૃક્ષો સુરતની શોભા વધારશે. વૃક્ષો પર્યાવરણ સ્વચ્છ રાખે છે અને વરસાદ ખેંચી લાવે છે અને ઓક્સિજનનું સ્તર જાળવવામાં મદદ કરે છે. સાથે જ લાખો પંખીઓને રહેવાનો આશરો પણ પુરો પાડે છે. વૃક્ષો તાપમાન ઘટાડવામાં બે રીતે ખપમાં આવે છે. એક તો વૃક્ષના પાંદડા દ્વારા પાણીનું બાષ્પીભવન થાય છે અને એ રીતે હવાને ઠંડી રાખે છે. બીજુ કારણ છે ઘટાટોપ વૃક્ષ હોવાને કારણે અનેક વિસ્તારોમાં છાંયડો તૈયાર થાય છે, જેને કારણે સીધો સૂર્યપ્રકાશ રસ્તા,મકાન કે વિસ્તારોને સ્પર્શી શકતો નથી. ભરબપોરે બાષ્પીભવનથી ગરમ થતી હવાનું તાપમાન અને જમીનની સરફેસ એમ બંને સ્તરે વૃક્ષો મદદગાર સાબીત થાય છે.
શૈલેષભાઇના પરમ મિત્ર એવા નાગજીભાઇ સાકરીયા અને હરેશભાઇ સાકરીયાએ આ ઉમદા કાર્યથી પ્રેરિત થઈને તેમના વતન રામપરાને પણ 2000 વૃક્ષોથી શણગારવાનો નિર્ધાર કર્યો અને વિચાર અમલમાં મુક્યો છે. સુરતમાં વિવિધ સ્થળોએ વૃક્ષો રોપવાનું કામ થઈ ચૂક્યું છે. વૃક્ષો રોપવાનું કામ સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ, રાજકોટને સોંપવામાં આવ્યું છે. સુરત અને નજીકના હાઈવે પર વૃક્ષો રોપવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. સાયણ રાજ હોટલ પાસેનો 9 કિ.મી વિસ્તાર, પાલ વિસ્તારમાં ગેલેક્ષી સર્કલ પાસે, હજીરા ફલાયઓવર પાસે, વેસુ, વીઆઈપી રોડ, મોટા વરાછા સુદામા ચોક પાસે વૃક્ષારોપણ કરી દેવામાં આવ્યું છે. આખા સુરતમાં જ્યાં ડિવાઈડર હશે ત્યાં વૃક્ષારોપણનું કાર્ય થશે. શૈલેષભાઈ અને નંદેશભાઇનાં વતન નવાગામમાં પણ 2000 જેટલાં વૃક્ષો રોપવાનું ભગીરથ કાર્ય શરૂ કરાવ્યું છે અને ગામમાં વિશાળ તળાવ અને ચેકડેમ બાંધવાના કાર્યો પણ પૂર્ણ થયા છે. થોડા જ વર્ષોમાં સુરત એક ખુબસૂરત શહેર બની જશે. સુરત હરિયાળા વૃક્ષોથી સુશોભિત હશે, આંખોને ઠંડક આપનારું હશે અને આ શહેર એટલું ખુબસુરત નજરે પડશે કે જાણે કે સિંગાપોરમાં આવી ગયા હોય.
જે. કે સ્ટાર ડાયમંડના માલિકો શૈલેષભાઇ અને તેમના લઘુ બંધુ નંદેશભાઇ અખૂટ ધનસંપત્તિના સ્વામી હોવા છતા સાવ સરળ અને નિખાલસ સ્વભાવના છે. તેમના માતા ચંપાબેન અને પિતા પોપટભાઇની પ્રેરણા છે કે, ‘તમે સાચી નીતિ અને અથાગ મહેનતથી વ્યવસાય દ્વારા મેળવેલા ધનનો અમૂક ભાગ સેવાકીય પ્રવૃતિ અને સત્કાર્યમાં વાપરજો.’ તેઓ આજે એટલી સગવડ અને સુવિધાપૂર્ણ જીવનશૈલી ત્યાગીને સન્યાસી જીવન જીવી રહ્યા છે. ‘મૂલ ભાતા ત્વચા વિષ્ણુ શાખે દ્રમહેશવઃ મંત્ર યંત્રે તુ દેવાનું વારાજ નાનું ||’ જેના મૂળમાં જગત પિતા બ્રહ્માનો વાસ છે,શરીરમાં વિષ્ણુ ભગવાન, ડાળીઓમાં શંકર ભગવાનનો વાસ છે અને દરેક પર્ણમાં દેવતાઓને ધારણ કર્યા છે તેવા વૃક્ષને હું નમસ્કાર કરું છું. આ વૃક્ષો જ આપણને જીવાડે છે. એના ફળો અને ફૂલો એ ધરતીનું સાચું સૌદર્ય છે.
વૃક્ષો, જંગલો પૃથ્વીનું સંતુલન કરનાર હરિયાળી છે. જંગલ કે વૃક્ષ વિનાની પૃથ્વી ધડ વિનાનાં માનવી જેવી છે અને આપણે એ ધડને જ કાપી રહ્યા છીએ. પૃથ્વી પર પર્યાવરણનું સંતુલન જાળવી રાખવાં માટે પ્રકૃતિનાં દરેક રંગ અને રૂપને સમરસ જાળવવા જરૂરી છે. પરંતુ આ સમરસ ખોરવાઈ રહ્યું છે અને આ ખોરવાયેલા સમરસને નવજીવન આપવાનું સેવાકીય કામ શૈલેષભાઇ અને નંદેશભાઇ કરી રહ્યા છે. તેમને સદભાવના વૃધ્ધાશ્રમ(રાજકોટ)નાં પ્રમુખ વિજયભાઇ ડોબરિયાની મુંબઇ ખાતે મુલાકાત થઈ હતી. તેમની સાથેની પહેલી મુલાકાત દરમિયાન બંને ભાઇઓ સુરતને લીલુછમ બનાવવાનો સંકલ્પ કર્યો. વિજયભાઇનો વૃક્ષો પ્રત્યેનો પ્રેમ, તેમની વૃક્ષોની માવજત અને પર્યાવરણ માટે તેમણે કરેલી કામગીરીથી ખુબ પ્રભાવિત હતા. તેમની સાથેની મુલાકાતમાં ચર્ચા થઇ કે મોટા પાયે વૃક્ષારોપણ કરવું જોઇએ. સુરત શહેર પ્રત્યેની ચાહના તેમના દિલમાં અકબંધ છે. આ કર્મયોગી શહેરે અમને ઘણું આપ્યું છે એટલે એમણે નક્કી કર્યું કે સુરત આખામાં 50,000થી વધારે વૃક્ષો વાવીને શહેરને હરિયાળુ બનાવી દઈએ. લુખી બંધુઓએ સુરત સાથે ગાંધીનગર, ખોડલધામ, સોમનાથ વેરાવળ, સાળંગપુર, ગારિયાધર શહેરોમાં પણ વૃક્ષારોપણ કરવા ઈચ્છે છે અને ભવિષ્યમાં 1 લાખ વૃક્ષોનાં વાવેતર, ઉછેર માટેની યોજના ઘડી રહ્યા છે.