
ભગવાન શ્રી મહાવીર સ્વામીની કરૂણા જગતના સર્વ જીવો પ્રત્યે વહેતી આવી છે. સર્વ જીવ સૃષ્ટિના રક્ષણનો બોધ જેમણે આપ્યો છે તેવા શ્રી મહાવીર સ્વામીના ઉપદેશનું આંશીક અનુસરણ કરવા આદિ જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યરત રહે છે. લોકડાઉન દરમ્યાન ગુજરાતમાં આવેલ ગૌશાળા/પાંજરાપોળમાં લગભગ ૧ કરોડ રૂપીયાથી વધુનો ચારો અલગ-અલગ પાંજરાપોળમાં પુરો પાડેલ. ખેડૂતના અશકત પશુ જે ખેડૂતોને બોજરૂપ લાગે છે જે ખડકીના દલાલ થકી કતલખાનામાં ન ધકેલાય, તેવા પશુઓને ખેડૂત પાસેથી લઈ પાંજરાપોળ સુધી પહોંચાડવાની તેમજ નિભાવની જવાબદારી સંસ્થા વતી લેવામાં આવે છે.

છેલ્લા ૨૦ વર્ષ દરમ્યાન અંદાજે ૯૦,૦૦૦ થી વધુ જીવોને અભયદાન ગુજરાતની પાંજરાપોળમાં આપી ચુકેલ છે. પાંજરાપોળને પણ પશુ બોજરૂપ ન બને તે માટે પાંજરાપોળમાં દતક યોજના વર્ષ માટેનો નકરો રૂા. ૧૨,૦૦૦/- રાખી તે પ્રમાણે આવક પાંજરાપોળમાં ઉભી કરવામાં આવે છે. “શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ”, મુંબઈની પ્રેરણાથી ‘શ્રી રાજારામ ગૌશાળા’ બનાસકાંઠા ખાતે ગૌમાતાનાં શેડ અને નુતન ગમાણનું ઉદઘાટન કરવામાં આવી રહ્યું છે. આ શેડના નિર્માણ માટે શ્રીમતી હંસાબેન શૈલેશભાઈ જોગાણી પરિવાર, મુંબઈ અને ગમાણનાં નિર્માણ માટે શ્રીમતી કલ્પનાબેન અરવિંદભાઈ સલોત, મુંબઈ, શ્રી આદિશ્વર શ્વેતાંબર મૂર્તિપુજક જૈન સંઘ અંધેરી, ઇસ્ટ મુંબઈ, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદવિજય શ્રીજયશેખરસુરીશ્વરજી મહારાજ, શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ફતેહબાગ, કાંદીવલી વગેરે દાતાશ્રીઓનો આર્થિક સહયોગ રહ્યો છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે “શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ”નાં અધ્યક્ષ જયેશભાઈ જરીવાલા, ટ્રસ્ટીઓ મનીષભાઈ શાહ, નવીનભાઈ ગાલા, કમિટી મેમ્બર બકુલેશભાઈ દોશી ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ 16 એપ્રિલ, રવિવારનાં રોજ રાખવામાં આવ્યો છે. સૌ ને આ કાર્યક્રમમાં પધારવા માટે ‘શ્રી રાજારામ ગૌશાળા’ તરફથી સ્નેહભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
