
ભગવાન શ્રી મહાવીર સ્વામીની કરૂણા જગતના સર્વ જીવો પ્રત્યે વહેતી આવી છે. સર્વ જીવ સૃષ્ટિના રક્ષણનો બોધ જેમણે આપ્યો છે તેવા શ્રી મહાવીર સ્વામીના ઉપદેશનું આંશીક અનુસરણ કરવા શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવસારીના ચિખલી ગામ ખાતે 23મા નિ:શુલ્ક પશુ ચિકિત્સા કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પ દરમિયાન 15 જેટલા ગામોના 1700 જેટલા પશુઓને સારવારનો લાભ મળ્યો હતો. વેટરનરી કોલેજ અને પોલીક્લીનીકના ડોકટરો તેમજ રાજકોટની એનિમલ હેલ્પલાઈનના ડોકટરો અને તેમના મદદનીશોએ પણ સેવા આપી હતી. આ નિ:શુલ્ક પશુ ચિકિત્સા શિબિરનું આયોજન ક્રિકેટ ગ્રાઉન્ડ, બામનવાડા, ગામ- ચિખલી (નવસારી) ખાતે કરવામાં આવ્યું હતું . આ કેમ્પ દરમ્યાન હોર્ન કેન્સર , હરનીયા, પ્લાસ્ટિક રિમૂવલ, ગાઈનેક, ઓર્થોપેડિક જેવી સર્જરી કરવામાં આવી . પશુ નિદાન કેમ્પનાં આયોજનમાં ટીંકુ મેમોરિયલ ટ્રસ્ટ તેમજ ગુજરાતનાં પશુપાલન વિભાગનો વિશેષ સહયોગ મળ્યો હતો . આ કેમ્પનું આયોજન શ્રી આદિ જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ, તેમજ શ્રીમતી અરુણાબેન કીર્તિભાઈ શાહ તથા પરિવાર (જસપરા) , શ્રીમતી પ્રજ્ઞાબેન દીપકભાઈ શાહ તથા પરિવાર (પાટણ), શ્રીમતી હંસાબેન મનહરભાઈ શાહ તથા પરિવાર (પાટણ), શ્રીમતી ભારતીબેન અરુણભાઈ સંઘવી તથા પરિવાર (વાલકેશ્વર, મુંબઈ)નાં સહયોગથી થયું હતું . રાજકોટથી પણ આ આયોજનને શુભેચ્છા પાઠવવા સદભાવના વૃદ્ધાશ્રમના વિજયભાઇ ડોબરિયા , એનિમલ હેલ્પલાઇનના ધીરુભાઈ કાનાબાર , રમેશભાઈ ઠક્કર સહિતના અગ્રણીઓ જોડાયા હતા. પશુ નિદાનની સાથે સાથે કેમ્પમાં જોડાયેલા 200 મહેમાનો દ્વારા પ્રમાણિત ડૉક્ટર દ્વારા સાંધાનો દુખાવો , ફ્રોઝન શોલ્ડર , ઘૂટણની સમસ્યા વગેરેની સારવાર લેવામાં આવી હતી. પશુ નિદાન કેમ્પનાં આયોજનમાં યોગદાન આપવા બદલ જયેશભાઈ શાહ (જરીવાલા) , હિતેશભાઈ સંઘવી , અશોકભાઇ લોઢા , હીમાંશુભાઈ , નિલેશભાઈ રાયચૂરા સહિતનાં એ દાતાઓનો આભાર વ્યક્ત કરાયો હતો
