ચબુતરો એ ભારતની એક આકર્ષક પરંપરા છે. ભારતમાં તે ઠેર-ઠેર જોવા મળે ગુજરાતના ગામડામાં વચ્ચોવચ તેમજ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ આ પરંપરા નજરે પડે છે. તેનુ નામ ચબુતરો છે. ટાવર જેવા ઉંચા મિનારા જેવુ બાંધકામ, ઉપરના ભાગે પક્ષીઓને માળા બાંધવા માટેના મોટા હોલ (કાણા) અને તેની તરત નીચે પક્ષીને ચણ ખાવા માટે મિનારાની ફરતે ગોળ છાજલી. મોટા હોલમાં કબુતર અને ચકલા માળો બાંધી શકે અને બચ્ચા મૂકી શકે એવી વ્યવસ્થા હોય છે. એક પીલર પર ઉભો કરાતો ચબુતરાની ઠેઠ નીચે ઓટલો બનાવાયો હોય છે જેના પર બેસી ગામના લોકો ટોળ-ટપ્પાં માર્યા કરે છે. અહીં કોઈપણ પ્રકારના પક્ષી આવીને ચણ ચણીને ઉડી જાય છે. આ ચબુતરો એ વાતનો સંકેત આપે છે કે પક્ષીઓને ચણવા માટે મુકત જગ્યા આપવી જોઈએ.
મોટાભાગના ચબુતરા પક્ષીઓના ચણ માટે તેમજ નીચેનો ઓટલો બેસવા માટે બનાવાયો હોય છે. આ ચબુતરો દીવાદાંડી જેવા બનાવાયા હોય છે. જેના પર પક્ષીઓ આરામ પણ કરી શકે છે અને ચણ ચણી શકે છે. એક દંડિયા ચબુતરા તરીકે ઓળખાતા સ્ટ્રકચરની ઉપર ચણની જગ્યા તેમજ પાણી માટે નાનું વાસણ પણ મુકી શકાય એવી વ્યવસ્થા હોય છે. કેટલાક ચબૂતરા રૂમ જેટલા મોટા હોય છે તે પથ્થર તેમજ ઈંટોના બનાવેલા હોય છે તેમાં વિવિધ પક્ષીઓ ગોખલામાં બેસીને આરામ કરી શકે એવી વ્યવસ્થા હોય છે. કાબર, કોયલ, કબુતર, મોર વગેરે મોટા ચબુતરાના રૂમમાં ફર્યા કરે છે.
ગુજરાતી ચબૂતરો શબ્દ કબૂતર પરથી આવ્યો છે. કબૂતરના ચણ માટે તૈયાર કરેલા સ્ટ્રકચરનું લોકજીભે થયેલું ટ્રાન્સલેશન એટલે ચબુતરો. કૃષિ સાથે સંકળાયેલા અને વેપારી વર્ગના લોકો કબૂતરને નિયમિત ચણ નાખે છે. સામાન્ય રીતે કબૂતર પ્લાન્ટનાં બીયા, ઝાડની છાલ વગેરે ખાતા હોય છે. ગામના લોકો નાની કોથળીમાં જુવાર જેવું ચણ લઈ આવે છે અને ચબૂતરા પર મુકે છે. કચ્છમાં ચબૂતરા વધુ દેખાય છે કેમ કે ત્યાં ચબુતરા બનાવતા મિસ્ત્રી, નિષ્ણાંત સુથારો વગેરે રહે છે.
જગતની સર્વજીવોનાં કલ્યાણની ભાવનાથી શ્રી ઇન્દ્રમાણા અમીઝરા વાસુપૂજય જીવરક્ષા અભિયાન અંતર્ગત ૬ વર્ષ પહેલા ગામે ગામ પંખીઘર ચબુતરા બનાવવાની શુભ શરૂઆત કરવામાં આવી હતી. જેમાં પથ્થરમાં બનાવેલ અલગ-અલગ ૯ થી ૧૦ ડિઝાઈનો અભિયાન દ્વારા બનાવવામાં આવી. આ અભિયાનમાં જેમ જેમ દાનેશ્વરી દાતાઓ મળતા ગયા તેમ તેમ દાનેશ્વરી દાતાઓ અને ૧૩૨ સભ્યોનો સાથ સહકારથી અત્યાર સુધીમાં ૬૧ પંખીઘર ચબુતરા તૈયાર થઈ ગયા છે અને તે સિવાય ૧૩ પંખીઘર ચબુતરાનું કાર્ય ચાલુ છે. આ પંખીઘરોની અંદર ૬૦ ઘરોથી ૬૦૦ ઘર સુધીના પંખીઘર બનાવવામાં આવે છે. જેમાં હજારો પંખીઓ રહી શકે તે રીતે તેમને અલગ અલગ પ્રાઈવેટ ફલેટ આપવામાં આવે છે. હવા-ઉજાસ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. અભિયાન દ્વારા તે સિવાય પાંજરાપોળ વિકાસના પણ કાર્યો કરવામાં આવે છે. જો તમે પણ તમારા ગામમાં તમારી કે તમારા સ્વજનોની યાદમાં એક પંખીઘર ચબૂતરો બનાવવા ઈચ્છતા હોય તો આ અંગે વિશેષ માહિતી માટે અલ્પેશભાઈ શાહ (મો.૯૭૨૫૫૯૭૭૦૧), વસંતભાઈ (મો.૯૮૨૫૮ ૬૬૮૩૧) નો સંપર્ક કરવા મિતલ ખેતાણીની યાદીમાં જણાવાયું છે.