રાજકોટમાં વધુ પશુ દવાખાનાઓ, વધુ એમ્બ્યુલન્સની જરૂરીયાત માટે બીજી સંસ્થાઓ આગળ આવે.

ભારતની નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા તેમજ ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ એવોર્ડ વિજેતા સંસ્થા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન, રાજકોટમાં છેલ્લા ૧૮ વર્ષથી એનીમલ હેલ્પલાઈન કાર્ય૨ત છે. રસ્તે રઝડતા, નિરાધાર, બિમાર પશુઓ, રેલ્વે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. છેલ્લા ૧૮ વર્ષથી શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા મુંગા, બિનવારસી, પશુ-પક્ષીઓની વિનામુલ્યે સારવાર કરતું મોબાઈલ પશુ ચિકિત્સાલય, એનીમલ હેલ્પલાઈન અને વેટરનરી હોસ્પિટલ સ્વરૂપે સેવારત કરાયું છે. અત્યાર સુધીમાં ૬,૫૦,૦૦૦ જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની સ્થળ ઉપર જ, વિનામુલ્યે નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા, દસ એમ્બ્યુલન્સ તેમજ બે બાઈક એમ્બ્યુલન્સ થકી ઓપરેશન સહીતની સારવાર થઈ છે, થતી રહે છે. શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન દ્વારા અન્ય સંસ્થાઓ અને જીવદયા પ્રેમીઓને પણ આ ભગીરથ કાર્યમાં જોડવવા વિનમ્ર અપીલ કરવામાં આવી છે. રાજકોટમાં વધુ પશુ દવાખાનાઓ, વધુ એમ્બ્યુલન્સની જરૂરીયાત માટે બીજી સંસ્થાઓ આગળ આવે. શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજકોટમાં અન્ય સ્થળોએ વધુ નિઃશુલ્ક/ટોકનદરે પશુ દવાખાનાઓ અને હોસ્પિટલ, વધુ નિઃશુલ્ક/ટોકનદરે પશુ-પક્ષીઓ સારવાર એમ્બ્યુલન્સ, પશુ-પક્ષી આશ્રય સ્થાન (શેલ્ટર), ગૌશાળા–પાંજરાપોળ, અબોલ જીવોનાં અન્નક્ષેત્રની તાતી જરૂરીયાત છે. પરંતુ અપૂરતા સાધનો, અનુદાન, વ્યવસ્થા, કાર્યકર્તાઓ, મેનેજમેન્ટને લઈને બધે પહોંચવું અશકય જ છે. જેને લઈને અનેક જીવોનાં જીવન જોખમાય છે. શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વધુમાં જણાવાયું છે કે, જો કોઈ સેવાકીય સંસ્થાઓ નિઃશુલ્ક પશુ દવાખાનાઓ, વધુ નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર એમ્બ્યુલન્સ, પશુ-પક્ષી આશ્રય સ્થાન, ગૌશાળા પાંજરાપોળ, અબોલ જીવોનાં અન્નક્ષેત્ર ખોલવા ઈચ્છે તો સંપૂર્ણ તકનીકી સહાય અને માર્ગદર્શન સંસ્થા દ્વારા આપવામાં આવશે. સૌ સાથે મળી સૌ અબોલ જીવોને સમયસર, પુરતી, નિઃશુલ્ક સારવાર, આશ્રય, ભોજન–પાણી મળે તે માટે પ્રયત્નશીલ બનવા મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯) દ્વારા વિનંતી કરાઈ છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *