વર્ષ 2023ને વૈશ્વિક સ્તરે આંતરરાષ્ટ્રીય ‘મોટા અનાજનાં વર્ષ-મિલેટ વર્ષ ‘તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. જેનો પ્રસ્તાવ ભારત દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મૂકવામાં આવ્યો હતો. ભારતના આ પ્રસ્તાવને 5 માર્ચ 2021ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. તેનો હેતુ વૈશ્વિક સ્તરે મોટા અનાજનાં ઉત્પાદન અને વપરાશ અંગે જાગૃતિ લાવવાનો છે. વૈશ્વિક સ્તરે દરેક દેશ સતત વધતી જતી વસ્તીને અનાજ પૂરું પાડવાના પડકારોનો સામનો કરી રહ્યા હોવાથી, મોટા અનાજ જેવો કે બાજરી અનાજ સસ્તું અને પૌષ્ટિક વિકલ્પ પૂરો પાડે છે, અને તેના અનાજની ખેતીને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્નો વધારવાની જરૂર છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ કહે છે કે , ” વૈશ્વિક સ્તરે અનાજ પૂરું પાડવા બાજરી મહત્વની ભૂમિકા ભજવી શકે છે અને નાના ખેડૂતોને સશક્ત કરવા, વૈશ્વિક વિકાસ કરવા, ભૂખમરો નાબૂદ કરવા, આબોહવા પરિવર્તન સાથે અનુકૂલન સાધવા, જૈવવિવિધતાને પ્રોત્સાહન આપવા અને કૃષિ ખાદ્ય પ્રણાલીઓમાં પરિવર્તન લાવવાના સામૂહિક પ્રયાસોમાં યોગદાન આપી શકે છે.” 2018ના નોટિફિકેશનમાં, સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બાજરી એ પોષક તત્વોનું પાવરહાઉસ છે અને સંશોધનમાં બાજરી એ ડાયાબિટીસ સામેની લડાઈમાં સારા સંરક્ષણ તરીકે દર્શાવ્યું હતું. બાજરીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જેનો અર્થ એ છે કે આવા ખોરાકની ઇન્ડેક્સમાં વધારે હોય તેવા ખોરાક કરતાં લોહીમાં શર્કરાના સ્તર પર ઓછી અસર પડે છે. વૈશ્વિક સ્તરે વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મોટા અનાજનાં વર્ષ તરીકે ઉજવવાનાં મુખ્ય હેતુ આ મુજબ છે, ખોરાકમાં વિટામિન અને ‘મોટા અનાજ-મિલેટ’ વિશે જાગરૂકતા લાવવા , વૈવિધ્યસભર અનાજના ઉત્પાદન અને ગુણવત્તામાં સુધારો કરવા, આ માટે સંશોધન અને વિકાસ અને વિસ્તરણમાં રોકાણ વધારવું. મોટા અનાજને પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે. બીટા-કેરોટીન, નિયાસિન, વિટામિન-બી6, ફોલિક એસિડ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિંક વગેરેથી ભરપૂર આ અનાજને ‘સુપરફૂડ’ પણ કહેવામાં આવે છે. જુવાર, બાજરી, રાગી (મદુઆ), મકાઈ, જવ, કોડો, સમા જેવા અનાજ મોટા અનાજ તરીકે ઓળખવામાં આવે છે. તેને આરોગવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.
મોટા અનાજના ફાયદા-
હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક :
મોટા અનાજમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. જેના કારણે , નિયમિતપણે મોટા અનાજ ખાવાથી હાઈ બીપી અને હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ ઓછું થાય છે. આ સાથે જ તેના સેવનથી શરીરમાં કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે.
હાડકાં માટે ફાયદાકારક :
મોટા અનાજ જેમ કે બાજરી, રાગી વગેરે હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં મોટી માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે, જે આપણા હાડકાના વિકાસ અને મજબૂતી માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ડાયાબિટીસ માટે ફાયદાકારક :
આજકાલ ડાયાબિટીસની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. ઘણા લોકો આ ગંભીર સમસ્યાથી પરેશાન છે. આવી સ્થિતિમાં મોટા અનાજનું સેવન ડાયાબિટીસમાં ફાયદાકારક છે. વાસ્તવમાં ઘઉંનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, બાજરી, રાગી, જુવાર વગેરે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
પાચન તંત્ર માટે અસરકારક :
બાજરી એટલે કે મોટું અનાજ ખાવાથી આપણા પાચનતંત્રને પણ ઘણો ફાયદો થાય છે. તેનો ઉપયોગ પેટને સ્વસ્થ રાખે છે, જેના કારણે કબજિયાત, ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓ દૂર રહે છે.
- મિતલ ખેતાણી (મો. 9824221999)