વર્ષ 2001માં સ્થપાયેલ, શ્રી શામજીભાઈ હરજીભાઈ તળાવિયા ચેરીટેબલ ટ્રસ્ટ વિવિધ પહેલો દ્વારા સામાજિક મૂલ્યની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું છે. આર.કે યુનિવર્સિટીની સ્થાપના સાથે સમાજમાં એસ.એચ.ટી.સી.  ટ્રસ્ટના યોગદાનની ખૂબ જ પ્રસંશા કરવામાં આવી. આર.કે યુનિવર્સિટી એક એવી જગ્યા છે જ્યાં “પરિવર્તન” લાવવાના સતત પ્રયત્નો કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા તેમના દ્રષ્ટિકોણને બદલવા માટે પડકારવામાં આવે છે અને પ્રેરિત  કરવામાં આવે છે. તેમની ફેકલ્ટીઓ ઉદ્યોગની જરૂરિયાતો અને વિદ્યાર્થીઓની જરૂરિયાતોને મેચ કરવા માટે તેમના શિક્ષણશાસ્ત્ર અને સૂચનાત્મક અભિગમો સતત બદલતા રહે છે. તેમના વિદ્યાર્થીઓએ આર.કે.યુ.માં જે જ્ઞાન મેળવ્યું છે તેનાથી સમાજને બદલવા માટે આગળ વધે છે. એસ.એચ.ટી.સી.ટ્રસ્ટ અને આર.કે યુનિવર્સિટી એ સમાજ સુધારણા અને સમાજકાર્ય માટે કાર્યો કરે છે. આર.કે યુનિવર્સિટી ઉપરાંત, એસ.એચ.ટી.સી.ટ્રસ્ટે આરોગ્ય સુવિધાઓની સ્થાપના અને સંચાલન સાથે પણ સંકળાયેલું છે. આર.કે યુનિવર્સિટી તેમજ એસ.એચ.ટી.સી.  દ્વારા દર વર્ષે સમાજની અસાધારણ સેવાના સન્માનમાં વ્યક્તિઓ અને સંસ્થાઓને કે.એસ. પટેલ સોશિયલ ઈમ્પેક્ટ એવોર્ડ આપવામાં આવે છે. કે.એસ. પટેલ સોશિયલ ઈમ્પેક્ટ એવોર્ડ 2022 , વિજયભાઈ ડોબારીયાને એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યનાં ‘ગ્રીન મેન’ વિજયભાઈ ડોબારીયા એ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ છે. તેઓએ ખૂબ જ ઓછા સમયમાં સદભાવના વૃધ્ધાશ્રમને પોતાના સેવા કાર્યોથી દરેક શેરીઓ, મહોલ્લાઓ અને સૉસાયટીઓમાં જાણીતું બનાવ્યું છે. તેઓ રાજ્યને ગ્રીન બનાવવાનું પણ અભિયાન ચલાવી રહ્યા છે જે અંતર્ગત ખૂબ ટૂંકા સમયમાં 19,00,000 વૃક્ષો વિનામૂલ્યે પીજરા સાથે વાવી તેનું જતન કરવામાં આવ્યું છે. વૃક્ષો વાવવા સહેલા છે. પણ તેની માવજત કરવી અઘરી છે. જયારે આ સંસ્થા દ્વારા વૃક્ષોના વાવેતર સાથે તેને પિંજરાથી રક્ષણ આપવામાં આવે છે અને સાથે જાહેર સ્થળોએ વાવેલા વૃક્ષોને પાણી પીવડાવવા સહિતની કામગીરી કરીને તેના ઉછેરની સંપૂર્ણ જવાબદારી નિભાવવામાં આવે છે. વૃક્ષારોપણની સાથે સાથે 100 મિયાવાકી જંગલનો પણ ઉછેર કરવામાં આવ્યો છે. ‘ગ્રીન મેન’ વિજયભાઈ ડોબરિયાને ગુજરાત સરકાર દ્વારા પણ ’વન પંડિત’ નો એવોર્ડ મળેલો છે. વિજયભાઈ ડોબરિયા દ્વારા છેલ્લા આઠ વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. ગુજરાતનાં સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ 500 જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે. તેમાંથી 180 વડીલો પથારીવશ (ડાઇપર વાળા) છે. આગામી મહિનાઓમાં 30 એકર જેટલા વિશાળ પરિસરમાં 2000 વડીલોનો સમાવેશ થઈ શકે તેવું પરિસર પણ નિર્માણાધીન થનાર છે. વિજયભાઈ ડોબરિયાના આ સત્કાર્ય માટે તેમને ‘કે.એસ. પટેલ સોશિયલ ઈમ્પેક્ટ એવોર્ડ 2022’ ડો. વી.કે. સારસ્વત(સભ્ય – નીતિ આયોગ, ભારત સરકાર)નાં હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. 

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *