
પરદુઃખે ઉપકાર કરવો એ માનવ જીવનને સાર્થક કરવાની પહેલી શરત છે. સમસ્ત મહાજનનાં અગણિત સેવાકાર્યોનાં પાયામાં આ શુધ્ધ ભાવના, ગુરૂદેવોની પરમ કૃપા, સાધુ-સાધ્વી ભગવંતોનાં આશીર્વાદ તથા માર્ગદર્શન, દાતાઓનો સબળ સાથ અને ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓનો સેવા કરવાનો અખૂટ ઉત્સાહ સમાયાં છે. કોરોના વાઈરસે સર્જેલી અકલ્પનીય પરિસ્થિતિ અને લોકડાઉનથી લઈને હમણાંનાં અનલોકનાં સમય સુધી સમસ્ત મહાજને જે સુકૃતો કર્યા છે એ અસાધારણ અને ખરા અર્થમાં અનુમોદનીય છે. સમસ્ત મહાજનનાં નામથી આખો દેશ પરિચિત છે. સેવાની વાત આવે, પરોપકારની વાત આવે કે વાત આવે અનુકંપા અને જીવદયાની, સમસ્ત મહાજન દરેક મોરચે ઉત્કૃષ્ટ કાર્યો કરતી આશીર્વાદરૂપ સંસ્થા બની છે. કોરોનાની મહામારીનાં કારણે લોકોનાં ધંધા રોજગાર પર ખુબ ઊંડી અસરો પડી છે, ઘણા લોકોને બે સમયનું ભોજન પણ ન મળે ત્યાં સુધીની તેમની આર્થિક સ્થિતી ખરાબ થઈ છે ત્યારે લોકો માંડ માંડ આ મુશ્કેલીમાંથી બહાર આવ્યા હતા ત્યાં છેલ્લા થોડા સમયથી મહારાષ્ટ્ર રાજ્યમાં પડી રહેલા અતિશય વરસાદને કારણે ભારે હાલાકી સર્જાઈ છે. આવા સમયે સમસ્ત મહાજન પોતાનાં સેવા કાર્યો કરવા માટે ફરી આગળ આવ્યું છે. જે લોકો રસ્તા પર રહે છે, જેમનાં રહેવા કરવા માટેનું કોઈ ઠેકાણું નથી ઉપરાંત જે લોકો ભારે વરસાદનાં કારણે પોતાનાં કામો પર જઈ શક્યા નથી એવા તમામ લોકો કે જેમને ખાવાનું નસીબ નહોતું થતું એ તમામ માટે સમસ્ત મહાજનની ટીમ ખીચડી અને થોડી ઘણી જરૂરી ઘરવખરીનો સામાન લઈને રસ્તા પર નીકળી પડી છે. આ ટીમ ભારે વરસાદથી પીડાયેલા તમામ લોકોની મદદ કરી રહી છે. ઉપરાંત સમસ્ત મહાજને અતિવૃષ્ટિનાં કારણે હેરાન થયેલા 10,000 પરિવારોને પુનઃ સ્થાપિત કરવાનો સંકલ્પ પણ કર્યો છે. સમસ્ત મહાજનની ટીમ દરરોજ 4000 લોકોને ગરમ ગરમ ભોજન પીરસવા માંગે છે. તથા પરિવાર દીઠ 10,000 રૂપિયાની સહાય કરવા માટે તત્પર છે. વર્તમાન સમયમાં જ સેવા કાર્ય કરવા માટે ગિરીશભાઈ સત્રા, પ્રફુલભાઈ તોરણ અને અન્ય કાર્યકર્તાઓ ચિપલુન અને નુતનબેન દેસાઈ અને તેમની ટીમ મહાડમાં જેસીબી સાથે સફાઈ કામ હેતુ પહોંચી ગયા છે. સમસ્ત મહાજન વધુમાં વધુ સેવા કાર્યો કરવા માટે તેમજ અતિવૃષ્ટિમાં થયેલા નુકસાન અને સાફ સફાઈ હેતુ જેસીબી, ઝાડું, પાવડા, તગારા, સૈલર બેટરી તથા અન્ય જરૂરી વસ્તુઓ બેડશીટ, ચાદર, સાડી, કપડાં, ટોવેલ,તાડપત્રી, રાશન કીટ, વાસણો, દાળ, ચોખ્ખા, તેલ, મસાલા, લોટ વગેરે વસ્તુઓની જરૂરીયાત છે. સમસ્ત મહાજન દ્વારા આ સહાય કાર્યમાં ઇચ્છાશક્તિ મુજબ જોડાવાની વિનંતી કરાઈ છે. આ અંગે વધુ માહિતી માટે ગિરીશભાઈ શાહ (મો. 9820020976), ગિરીશભાઈ સત્રા (મો. 9820163946), રાકેશભાઈ (મો.9324801777), નુતનબેન દેસાઈ, દેવેન્દ્રભાઈ જૈન (મો. 9825129111), મિત્તલ ખેતાણી (મો. 9824221999) નો સંપર્ક કરવા માટે વિનંતી કરાઈ છે.
