રાજકોટ ખાતે આ ૧૦૦ મું અંગદાન થયું – ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થા એ સેવાકાર્ય ની સેન્ચ્યુરી પૂરી કરી

મૃતક અશોકભાઇ હરિભાઇ વોરા, ઉ.વ. ૬૦, રાજ્કોટ નિવાસી ( મુળ વતન વોરા – કોટડા ) તે સંપૂર્ણ તંદુરસ્ત વ્યક્તિ હતા.

તા. ૧૭ ઓક્ટોબર સોમવારે સવારે ૮ : ૦૦ વાગ્યે એમણે આંખના મોતિયાનું ઓપરેશન કરાવ્યું જે સંપૂર્ણ પણે સફળ રહ્યું અને તેમને ચોખ્ખી દ્રષ્ટિ પણ આવી ગઇ. પરંતુ સવારે ૧૧:૩૦ આસપાસ એમને અચાનક ચક્કર આવવા લાગ્યા અને ગણત્રી ની મિનિટો માં જ તેઓ બેભાન થઈ ગયા. તેમની સાથે જ તેમના પુત્ર ડૉ. પ્રિતેશ વોરા (ડેન્ટલ સર્જન) હતા જેમણે તુરંત જ સૂઝબૂઝ રાખી
એમ્બ્યુલન્સ બોલાવી અને મેડીકેર હોસ્પિટલ લઈ ગયા જ્યાં તેમના મિત્ર ડો. અંકુર વરસાણી એ અશોકભાઇ વોરા ને ઇમરજન્સી સારવાર આપી અને વેન્ટિલેટર પર મૂક્યા. સી. ટી. સ્કેન કરાવવાથી જાણ થઈ કે અશોકભાઈ ને ખૂબ જ મોટો બ્રેઇન સ્ટ્રોક આવેલો છે. એટલે તેની આગળ અદ્યતન સારવાર માટે કોમાની હાલત માં જ સ્ટર્લિંગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ન્યુરોલોજી ની ટીમ ના ડો. ગૌરાંગ વાધાણી અને ડો. કૌમીલ કોઠારી એ તાત્કાલિક એમનું ઓપરેશન કર્યું અને ત્યારબાદ દર્દીને ન્યૂરો આઈ. સી. યુ. માં રાખવામાં આવ્યા.
ઓપરેશન સફળ રહ્યું પરંતુ બ્રેઇન સ્ટ્રોક ખૂબ મોટો હોવાથી મગજનો ઘણોજ ભાગ ડેમેજ થઈ ગયો હતો અને આ કારણ થી અશોકભાઈ ની રિકવરી જ ન થઈ. આખરે તારીખ ૧૮ ઓક્ટોબર બપોરના અશોકભાઇ બ્રેઇનડેડ થયા, જેની જાણ થતાજ તેમના પુત્ર ડો. પ્રિતેશ વોરા એ ડો. કૌમીલ કોઠારી પાસે અંગદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારબાદ રાજકોટની ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થા ના ડો. સંકલ્પ વણઝારા નો સંપર્ક કરવામાં આવ્યો જેમણે અશોકભાઇ વોરાની બ્રેઇનડેથ પરિસ્થિતિ ની ખાતરી કરી અને તેમના કુટુંબીજનો ને અંગદાન ની પ્રક્રિયા વિશે સંપૂર્ણ જાણકારી આપી. અશોકભાઇ ના પુત્ર ડો. પ્રિતેશ વોરા, પુત્રવધુ શ્રીમતી કિરણ વોરા, પુત્રી શ્રીમતી શ્રીયા ઉકાણી તથા જમાઈ ડો. જનક ઉકાણી એ પોતાની લાગણી પર કાબૂ રાખી આવી કપરી પરિસ્થિતિ માં પણ મનની સ્થિરતા જાળવી અશોકભાઇ ના અંગોનું દાન કરવાનું સત્કાર્ય હાથ ધરવાનો નિર્ણય લીધો, અને આ નિર્ણય દ્વારા બીજા પીડિત દર્દીઓ અને તેમના કુટુંબીજનો નું જીવન સુધારી તેમને દિવાળીની અમૂલ્ય ભેટ આપી. મૃતક અશોકભાઇ વોરા ખુદ પોતાની હયાતી માં ખૂબ સેવાભાવી હતા અને અનેક લોકોને મદદ કરતાં તથા પશુ – પક્ષીઓની પણ સંભાળ લેતા – મરણોપરાંત અંગદાન કરી તે બીજા લોકોને નવજીવન આપે તેવી તેમના પુત્ર અને કુટુંબની ભાવના હતી.

અંગદાન ના નિર્ણય બાદ રાજ્ય સરકારની અંગ પ્રત્યારોપણ માટેની સંસ્થા SOTTO નો સંપર્ક કરી તેના માર્ગદર્શન અને નિયમો પ્રમાણે અશોકભાઇ ના અંગદાન ની પ્રક્રિયા પાર પાડવામાં સ્ટર્લિંગ હોસ્પિટલની ટીમે સતત મહેનત ઉઠાવી, જેમાં ક્રિટિકલ કેર નિષ્ણાંત ડો. સંકલ્પ વણઝારા, ન્યૂરોસર્જન ડો. ગૌરાંગ વાઘાણી, ન્યૂરોફીઝીશિયન ડો.કૌમીલ કોઠારી, ઇમરજન્સી ફિઝિશિયન ડો. કૃણાલ દેસાઇ, ચીફ એડમિનિસ્ટ્રેટર અને ટ્રાન્સપ્લાન્ટ કો-ઓરડીનેટર ડો. વૈશાલી ગોસાઇ, મેડિકલ ઓફિસર ડો. સુભાષ ટાંક- ડો. કપિલ કાવઠીયા- ડો દિનેશ- ડો. એકતા મૂંગપરા, એનેસ્થેઝીયા ની ટીમ, સહિત ટેકનિકલ અને પેરામેડિકલ સ્ટાફ ની ટીમે યોગદાન આપ્યું.

અશોકભાઇ વોરાની ૨ કિડની, લીવર, ૨ ચક્ષુ, અને ત્વચા નું દાન કરવામાં આવ્યું. કિડની અને લીવર માટે અમદાવાદ ની IKDRC હોસ્પિટલ માંથી ડો. સુરેશ અને તેમની ટીમ તા ૧૯ ઓક્ટોબરે રાત્રે આવેલી. મધરાત બાદ શરૂ થયેલ ઓપરેશન થી બંને કિડની અને એક લીવર લેવામાં આવેલા અને તેમ નું પ્રત્યારોપણ (Transplant) કરવા માટે અમદાવાદની IKDRC માં તા 20 ઓક્ટોબરે વ્હેલી સવારે લઈ જવામાં આવ્યા, બને ચક્ષુ તથા ત્વચા તે રાજકોટની જ eye – bank અને skin – bank માં આપવામાં આવ્યા. આ રીતે અનેક દર્દીઓને નવજીવન આપી અશોકભાઇ વોરા એ વિશ્વનું સૌથી મહાદાન અંગદાન નું સત્કાર્ય કર્યું

આ અંગદાનની જટિલ પ્રક્રિયા ના સંકલન માં રાજકોટ ની ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થાના ડો. દિવ્યેશ વિરોજા, ડો. સંકલ્પ વણઝારા, શ્રી મિતલભાઈ ખેતાણી, શ્રીમતી ભાવનાબેન મંડલી અને શ્રી નિતીનભાઈ ધાટલીયા ની અનુભવી ટીમે જહેમત ઉઠાવી આ રીતે રાજકોટ ખાતે આ ૧૦૦ મું અંગદાન થયું. પ્રથમ અંગદાન આજ થી ૧૬ વર્ષ પહેલા માર્ચ ૨૦૦૬ માં થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *