આજકાલ કોરોના કાળમાં હરકોઈ માણસના મોઢે ‘ ઇમ્યુનિટી ’ શબ્દ બોલાતો થઈ ગયો છે.‘ ઇમ્યુનિટી ’એટલે રોગ પ્રતિકારક શકિત. રોગ પ્રતિકારકતા એટલે કે સંપૂર્ણ સ્વ્સ્થતા. સામાન્ય રીતે માણસ સાજો-સારો રહેતો હોય અને કોઈ ગંભીર કે મોટી અકસ્માત સિવાય ની બીમારી ન હોય તેની તંદુરસ્તી સારી હોવાનું કહેવાય. સારી તંદુરસ્તી માટે જરૂર છે સારા ખોરાક, સ્વચ્છ હવા, શુદ્ધ પાણી, અને સ્વસ્થ મન–વિચાર અને સાત્વિક કર્મની. આમ શારીરિક માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આરોગ્ય ની વ્યાખ્યામાં સમાવેશ કર્યો છે. બીમારીમાં ઉપરના માંથી કોઈપણ એક કે બાહ્ય આક્રમણને કારણે માણસ અસ્વસ્થ બને છે. આયુર્વેદ આરોગ્યનું શાસ્ત્ર છે, ફકત બીમારી મટાડવાનું કે સારવારનું જ માત્ર નહીં !
આજે આપણે વાત કરવી છે ઇમ્યુનિટી વધારવા માટે સારો ખોરાક,વનસ્પતિ ઔષધિઓ,ઉકાળા, હર્બલ પ્રોડક્ટ્સ માટે જે પ્રચાર-પ્રસાર થાય છે તેની, ખૂબ સાચી વાત છે કે મોટાભાગનો ખોરાક વનસ્પતિ એટલે કે અનાજ, શાકભાજી અને ફળફળાદી તથા દૂધમાંથી આવે છે. શરીર ને જોઇતા મિનરલ્સ,વિટામિન,હોર્મોન્સ, પોષકતત્વો, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી વગેરે ઉપરોક્ત પદાર્થમાંથી મળી જાય છે.
પરંતુ આપણે જે વાત કરવાની છે તે એ છે કે જે પદાર્થો શરીરના યોગ્ય પોષણ માટે કે ઇમ્યુનિટી વધારવા માટે આવે છે તે પદાર્થો ખરેખર નિર્દોષ છે ખરા? શુદ્ધ છે ખરા? એ પ્રાકૃતિક છે ખરા? કોરોના કાળ બાદ ‘’Back To Basic’’,” પ્રકૃતિ તરફ પાછા વળીએ’ કે ‘Harmony With Nature’ અંગે જન સામાન્યને ગંભીર રીતે વિચાર–મંથન કરતા કરી દીધા છે. આવા સમયે ઓર્ગેનિક ડાયેટ’ જે ખૂબ જ રસપ્રદ વિષય બની ગયો છે. તેની ચર્ચા કરવી જરૂરી છે.
ઓર્ગેનિક એટલે કે જે ખોરાકમાં હાનિકારક જંતુનાશકો-પેસ્ટીસાઈડઝ રાસાયણિક ખાતર,ફર્ટિલાઇઝર કે જેનેટિકલી મોડીફાઈડ બિયારણનો ઉપયોગ ન થયો હોય તેવા અનાજ- શાકભાજી-ફળફળાદી હોય તેને ઓર્ગેનિક ખોરાક ની વ્યાખ્યા માં મૂકી શકાય. વિચારીએ કે આજકાલ આપણે શું ખાઈએ છીએ. અરે ફળફળાદી ને પકવવામાં પણ કેમિકલ નો ઉપયોગ અને ઝંક ફૂડના પિઝર્વેટીવની તો વાત જ શું કરવી?
એટલે જ “જાગ્યા ત્યારથી સવાર” કરી એ દિશામાં આગળ વધવું પડશે. એ વાત આપણે સમજી લઈએ કે ઓર્ગેનિક એટલે કે ઝેર મુક્ત અનાજની ડીમાન્ડ કરવી પડશે. હજારો રૂપીયા ના ખોટા ખર્ચા આપણે કરીએ છીએ. બીનજરૂરી ખર્ચા બંધ કરી સારો પ્રાકૃતિક ખોરાક આપણા પોતાના પરિવાર માટે ન વાપરી શકીએ ? કાગારોળ કરવાનું બંધ કરીએ. આ માટે ખેડૂતોને ઓર્ગેનીક ખેતી તરફ વાળવા પડશે. ગૌ આધારિત ખેતી જ એકમાત્ર વિકલ્પ છે. દરેક ખેડૂત ગૌવંશ પાળે, તેના ગૌમૂત્રમાંથી જીવામૃત અને હર્બલ પેસ્ટીસાઈડ- રોગ નિયંત્રક બનાવી તેના પાકમાં ઉપયોગ કરે તે માટે રાષ્ટ્રીય અભિયાન શરૂ થયું છે. મહાન,ભવ્ય અને દિવ્ય ભારતના સ્વપ્ન દ્રષ્ટા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લાલ કિલ્લાથી જાહેરાત કરી છે કે હું ધરતી માતાને ઝેર મુકત કરવા માગું છું. માટે સૌને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરીએ. ઘેર ઘેર ગાય પાળી, દૂધ-દહીં આરોગી,ગૌમૂત્ર–ગોબર આધારિત ખેતી કરી. ઝેર રહિત ફળ-શાકભાજી ઉગાડીએ અને સમાજને આપીએ. ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકારોએ આ દિશામાં કદમ ઉઠાવ્યા છે. ઓર્ગેનિક ફાર્મિંગ, બાયો ફર્ટિલાઇઝર માટેની પોલિસી બની છે. પ્રોત્સાહક સ્કીમ બનાવી છે. ઓર્ગેનિક સર્ટિફિકેશન, FPO “ફાર્મસ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન” બાયોફર્ટીલાઇઝર,ઓર્ગેનિક માર્કેટ વગેરે માટે અલગ અલગ વિભાગો કાર્યરત છે.
ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી રાજ્યમાં પ્રાકૃતિક ખેતી ના સેમિનારો કરી ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. વાતાવરણ ખૂબ સાનુકૂળ છે. લોકોમાં જાગૃતિ આવી છે. માનનીય પ્રધાનમંત્રીશ્રી ના ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને સાર્થક કરવા ઘર આંગણે જ પેસ્ટીસાઈડ –બાયો ફર્ટિલાઇઝર બનાવી કરોડો રૂપિયાનું હુંડીયામણ બચાવી શકીશું. દેશમાં રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે યુવાનો અને મહિલા ઉધમીઓને આત્મનિર્ભર બનાવામાં પ્રોત્સાહન મળશે. કૃષિ- ગૌ ઉધોગો દ્વારા ગ્રામ વિકાસ થશે. ઓર્ગેનિક પેદાશોને કારણે લોકોનું આરોગ્ય સુધરશે. દેશ સ્વસ્થ બનશે.આમ હેલ્ધી ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર થશે. તો ચાલો આપણે ગૌ આધારીત કૃષિ દ્વારા ગૌ સંસ્કૃતિની પુનઃસ્થાપના માં યોગદાન આપીએ.
વંદે ગૌ માતરમ્.
ડો.વલ્લભભાઈ કથીરિયા
પૂર્વ કેન્દ્રીય મંત્રી, ભારત સરકાર
પૂર્વ ચેરમેન, રાષ્ટ્રીય કામધેનુ આયોગ

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *