એક રાષ્ટ્રની મહાનતાનો આધાર તે દેશના લોકો ત્યાં વસતા પ્રાણીઓ સાથે કેવો વ્યવહાર કરે છે તેના પર રહેલો છે – ગાંધીજી

દર વર્ષે 11 એપ્રિલનાં દિવસે “રાષ્ટ્રીય પાલતું પ્રાણી દિવસ” ઉજવવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને પાળેલા પશુ, પક્ષીઓને પ્રેમ આપવા તેમજ તેમને એ પોતે ઘરના એક સભ્ય જ છે તેવી લાગણી ઉત્પન્ન કરવા માટે ઉજવાય છે. જો કે પશુ, પંખીઓને આવા દિવસોની શું ખબર પડે છે ? તે તો દરરોજ જેટલા વર્ષો તે જીવે તેટલા વર્ષ માણસને પ્રેમ કરે છે અને પ્રેમ કરતાં શીખવે પણ છે. ભારતમાં છેલ્લા 10 વર્ષોમાં ઘરમાં ‘પેટ’ લાવવાનો ટ્રેન્ડ શરુ થયો છે. આ પાછળ લોકોની એકલતા પણ કંઇક અંશે જવાબદાર છે તેવું કહી શકાય. પશુ, પંખીઓ એકલતાના સાથી બને છે. વિદેશમાં લોકોની જીવનશૈલીને કારણે માનવ માનવ વચ્ચેનો વ્યવહાર તુટ્યો છે ત્યારે માણસને માનસિક સ્વસ્થતા જાળવવા માટે જે પ્રેમ જોઈએ, શાંતિ જોઈએ તે તેમને મળતી નથી જેથી માનસિક શાંતિ મેળવવા અને ડીપ્રેશનથી બચવા માટે લોકો પશુ, પંખીઓને પાળતા થયા છે તેમજ પ્રેમ અને હુંફ પ્રાપ્ત કરવા માટે ‘કાઉ હગ’ જેવી નવી બાબતોનું સર્જન થયું છે. ભારતમાં પણ આ કન્સેપ્ટને અપનાવાયો છે. પહેલાનાં સમયમાં તો પશુઓ આર્થિક ઉપાર્જન માટે કામ આવતા હતાં. એ પછી શારીરિક સ્વાસ્થ્ય જાળવવા માટે ગાય, બકરીનું દૂધ કામ આવતું હતું જેનો ઉપયોગ આજે પણ મોટા પાયે થાય છે, પરંતુ આજે તો માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે પણ તેમનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે એવો સવાલ થાય છે કે પશુ, પક્ષી, પ્રાણીઓ વગર માણસનું અસ્તિત્વ કેટલું ?
આજે લોકો ઘરમાં ‘પેટ’ રાખવાના શોખીન થયા છે. ભારતમાં આજે મોટાભાગનાં લોકોનાં ઘરમાં કોઈ ન કોઈ પાલતું પ્રાણી અવશ્ય રહેતું હશે, પરંતુ દુઃખની વાત એ છે કે ભારતનાં જ લોકોને ભારતનાં પશુઓને પાલતું પશુઓ તરીકે સ્વીકારવામાં સંકોચ થાય છે. વિદેશી પશુ, પંખીઓની વિવિધ બ્રીડસ વસાવવાની જાણે સ્પર્ધા કરી હોઈ તેમ લોકો આવા પશુ, પંખીઓને ખરીદી લાવે છે પછી તેને ઘરના એક સભ્યનું સ્થાન આપે છે. જો કે પશુ,પંખી વિદેશી છે સ્વદેશી નહીં માટે ઘરમાં ન લાવું જોઈએ તેવો કોઈ સંદર્ભ અહિયાં નથી, પરંતુ આવા પશુઓ કે જે ફોરેનથી આવ્યા છે તે ભારતીય વાતાવરણમાં લાંબો સમય ટકી શકતા નથી અને સમય કરતા પહેલા જ તેમનું મૃત્યુ નીપજે છે. આવી જ રીતે પાલતું પ્રાણીઓ વિદેશથી લાવવામાં આવે છે તેથી દેશી પશુ, પંખીઓની અવગણનાં થાય છે અને તેમને જરૂરી કેર મળી રહેતી નથી. જો માણસ ખરેખર જીવદયા પ્રેમી હોય તો તેને પાલતું પ્રાણી રાખતા પહેલા આ તમામ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ જેથી કોઈને પણ અન્યાય ન થાય. જ્યારે આવી રીતે ‘પેટ’ રાખવાની ઈચ્છા થાય ત્યારે સૌપ્રથમ તો શેરીમાં વસતા પશુઓ પર પ્રથમ પસંદગી ઉતારવી જોઈએ જેથી કરીને આવા પશુઓની સંભાળ થઈ શકે અને દેશનાં હિતોનું રક્ષણ થાય. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ પણ શેરીનાં શ્વાનોની વિશેષ દેખરેખ રાખવા એક પ્રવચન દરમિયાન કહ્યું છે.

  • મિત્તલ ખેતાણી(મો. 98242 21999)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *