ભારત સરકારનાં માર્ગ અને પરિવહન મંત્રાલય નવી દિલ્હી તરફથી પ્રતિ વર્ષ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.તેનો મુખ્ય હેતુ માર્ગ સલામતી બાબતે જાગૃતતા કેળવાય એ માટે મોટર વાહન અધિનિયમ, ડ્રાઈવીંગ લાયસન્સનાં નિયમો બાબતે લોકોને જાણકારી આપવાનો હોય છે. વાહન ચાલકો અને સામાન્ય લોકોને ટ્રાફિકનાં નિયમો વિશે પણ માહિતગાર કરવાનો છે જેથી વાહન ચાલકો વાહન ચલાવતી વખતે નિયમોનું ચૂસ્તપણે પાલન કરે જેથી અકસ્માત જેવી સ્થિતિ ન સર્જાય. આ વિષે લોકોને પુરતી સમજણ પૂરી પાડવા માટે આ સપ્તાહ ઉજવવામાં આવે છે. જો દરેક વ્યક્તિ આવી સામાન્ય સમજણ હોય તો તે પણ સમય આવ્યે અકસ્માતથી બચી શકે છે સાથે જો અન્ય કોઈ સાથે અકસ્માત સર્જાય તો ઘાયલ થયેલ વ્યક્તિની મદદ પણ કરી શકે છે. આ સપ્તાહનો મુખ્ય ઉદેશ્ય કઈ રીતે પ્રાથમિક સારવાર પૂરી પાડવી તે વિષે પણ સમજણ પૂરી પાડવામાં આવે છે. આ દિવસોમાં રોંગ સાઈડ ડ્રાઈવીંગ, ઝડપી ડ્રાઈવિંગ, હેલ્મેટ વગર વાહન ચલાવવું, સીટ બેલ્ટ વગર વાહન ચલાવવું વાહન ચાલક માટે કેટલું ભારે પડી શકે છે તે સમજવું જોઈએ અને અન્યને પણ સાચી સમજણ આપવામાં આવે છે. વધુમાં ડ્રીંક કરીને ડ્રાઈવ ન કરવા તથા ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ ન કરવો અને રોડ પરના વિવિધ સાઈન બોર્ડ વગેરે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવે છે. જેથી આજનો યુવાન, નાગરિકો સમાજનાં હિત સાથે પોતાની તથા લોકોની સુરક્ષા માટે નીતિ-નિયમોનું પાલન કરી સમાજ માટે પોતાની ફરજ નિભાવી શકે તથા તેમનામાં ‘રોડ સેફ્ટી’ વિશે જાગૃતિ આવે.
સૌથી વધુ અપમૃત્યુ જેને કહેવાય છે એ અકસ્માતનાં કારણે થતું મૃત્યુ છે. કોઈ કારણ વગર ફક્ત એક અકસ્માતને કારણે પોતાના સ્વજન ગુમાવવા એ અત્યંત દુઃખદ વાત છે માટે વાહન ચલાવતી વખતે આવી તમામ નાની નાની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જ્યારે માણસ ઘરમાંથી બહાર જવા નીકળે છે ત્યારે એણે એ યાદ રાખવું જોઈએ કે એની પાછળ ઘરમાં એની માટે કોઈ રાહ જોઈને બેઠું છે. કેટલાંક લોકોની વાહન ચલાવવાની સ્પીડ જે તે વ્યક્તિની માનસિક સ્થિતિ પર નિર્ભર કરતી હોય છે. કોઈ વ્યક્તિ જ્યારે ગુસ્સામાં હોય તો તેની વાહન ચલાવાની ગતિ આપોઆપ જ વધી જાય છે અને રસ્તામાં એની કશું દેખાતું નથી એવી જ રીતે કોઈ વ્યક્તિ પોતાના વિચારોમાં ડૂબેલી છે અને ડ્રાઈવ કરી રહી છે તો તેનો તેની ગાડી પર કોઈ કંટ્રોલ રહેતો નથી એવામાં અકસ્માત થવાની સંભાવના વધારે છે માટે રોડ-રસ્તામાં વાહન ચલાવતી વખતે કોઈ પણ કારણોસર વ્યક્તિએ પોતાનું માનસિક સંતુલન ગુમાવવું ન જોઈએ અને ધ્યાનપૂર્વક, સંપૂર્ણ સાવધાનીથી વાહન ચલાવવું જોઈએ.
– મિત્તલ ખેતાણી(મો. 98242 21999)