• સલીમ અલીએ પોતાનું લગભગ આખું જીવન પક્ષીઓની શોધ અને અભ્યાસ માટે સમર્પિત કર્યું.

સલીમ અલી (12 નવેમ્બર 1896 – 20 જૂન 1987) એ ભારતીય પક્ષીવિદ અને પ્રકૃતિવિદ હતા. તેઓ ‘બર્ડમેન ઓફ ઇન્ડિયા’ તરીકે જાણીતા છે. સમગ્ર ભારતનાં પક્ષીઓની મોજણી કરનારા સલીમ અલી પહેલા ભારતીય હતા. તેમણે પક્ષીઓ વિષે સંખ્યાબંધ પુસ્તકો પણ લખ્યા છે. હાલ સાઇલેન્ટ વેલી નેશનલ પાર્ક તરીકે જાણીતા ઉદ્યાનનુ નિકંદન અટકાવવામાં સલીમ અલીનો સિંહ ફાળો છે. સીડની ડીલ્લોન રીપ્લેની સાથે મળીને તેમણે ‘હેન્ડબુક ઓફ ધ બર્ડ્સ ઓફ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન’ ના દસ ભાગ તૈયાર કર્યા. જેની બીજી આવૃતિ તેમના મૃત્યુ બાદ પ્રકાશિત કરવામાં આવી. 1958માં પદ્મભૂષણ અને 1976માં પદ્મવિભૂષણ એમ ભારતનાં અનુક્રમે ત્રીજા અને બીજા સૌથી ઉચ્ચ નાગરિક સન્માન તેમણે મેળવ્યાં. પક્ષીઓની કેટલીક જાતિઓ, કેટલાંક પક્ષી અભયારણ્યો અને સંસ્થાઓને તેમનું નામ અપાયું છે. સાલીમ અલી એ મૂળ ખંભાતના સૂલેમાની વ્હોરા હતા. તેમનો જન્મ મુંબઈ ખાતે થયો હતો. 1857થી તેમનો પરિવાર મુંબઇ ખાતે સ્થાયી થયો હતો. સલીમ અલીને શરુઆતમાં શિકાર વિષયક પુસ્તકોમાં બહુ જ રસ હતો. તેમના પાલક અમીરુદ્દીનએ તેમના આ રસને પીઠબળ આપ્યું. સલીમ અલી આસપાસનાં બાળકો સાથે પક્ષીઓનાં શિકારની રમત રમતાં. એક વાર એરગનથી રમતાં રમતાં એક પક્ષીને ઢાળી દીધું. મૃત પક્ષીને જોઇ તેમને બાળસહજ જિજ્ઞાસા થઇ. મૃત રંગીન ચકલીને જોઇને તેમના મામા અમીરુદ્દીન કે જેઓ ‘બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી’નાં સભ્ય હતા એમની જિજ્ઞાસા સંતોષવા અલીને ‘બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી’નાં મંત્રી મિ. મિલાર્ડ પાસે લઇ ગયા. ત્યાં તેમણે પંખીઓનાં વિવિધ નમૂના અને પુસ્તકો જોયાં. મિલાર્ડે તેમણે કેટલાંક પક્ષી વિષયક પુસ્તકો પણ ભેટ આપ્યાં જેમાં ‘ઇહા’ દ્વારા લિખિત બોમ્બેનાં સામાન્ય પક્ષીઓનો (કોમન બર્ડ્સ ઓફ બોમ્બે) પણ સમાવેશ થતો હતો. તેમણે પક્ષીઓનું સર્વેક્ષણ અને દસ્તાવેજીકરણ કર્યું એટલું જ નહીં, તેઓ પક્ષીઓ અને તેમના રહેઠાણોનાં સંરક્ષણ વિશે પણ અવાજ ઉઠાવતા હતા. રાજસ્થાનમાં ભરતપુર પક્ષી અભયારણ્યની સ્થાપનામાં અને કેરળમાં સાયલન્ટ વેલી નેશનલ પાર્કના વિનાશને રોકવામાં તેમણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સલીમ અલીએ તેમનું લગભગ આખું જીવન પક્ષીઓની શોધ અને અભ્યાસ માટે સમર્પિત કર્યું. પરંતુ તેમના મૃત્યુ પછી લગભગ ત્રણ દાયકા પછી તેમના નામ પર એક નવી ભારતીય પક્ષી પ્રજાતિનું નામકરણ થયું. 2016 માં, હિમાલયન વન થ્રશ – જે સામાન્ય રીતે પર્વતમાળાનાં પૂર્વ ભાગમાં જોવા મળે છે – તેનું નામ ઝૂથેરા સલીમાલી રાખવામાં આવ્યું હતું. આ પક્ષી 2009માં મળી આવ્યું હતું.

– મિતલ ખેતાણી (મો. 9824221999)

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *