અંગદાન, મહાદાન

દર વર્ષે અંગદાન અંગેની જાગૃતિ હેતુ “વિશ્વ અંગદાન દિવસ” ઉજવવામાં આવે છે. ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં માણસનાં મૃત્યુ પછી ચક્ષુદાન, અંગદાન કે દેહદાન કરવાની જાગૃતિ ખુબ ઓછી છે. ક્યાંક સમાજિક કે ધાર્મિક બંધનોમાં રહીને વ્યક્તિ આ અંગે કોઈ પહેલ કરતો નથી. મૃત્યુ પછી શરીર નીશ્ચેસ્ત બની જાય છે. આવા સમયે શરીરમાં રહેલા અંગો દુનિયામાં વાસ કરી રહેલા કોઈ બીમાર કે નિ:સહાય વ્યક્તિને કામ આવી શકે છે. ધારો કે કોઈ વ્યક્તિ અંધ છે અને અન્ય વ્યક્તિનું મૃત્યુ થાય છે એ પહેલા એણે ચક્ષુદાનનું સંકલ્પ પત્ર ભરેલું છે તો તેની આંખો લઈને અંધ વ્યક્તિને આપવામાં આવે છે. જે વ્યક્તિ અંધ છે, જેણે આજ સુધી દુનિયા જોઈ જ નથી તે કોઈ મૃત્યુ પામેલ વ્યક્તિની આંખો થકી દુનિયાને જોઈ શકે છે. આવી જ રીતે અંગદાનમાં કોઈ વ્યક્તિનું બ્રેન ડેડ થઈ ગયું હોય પણ તેનાં સમગ્ર અંગો કાર્ય કરતા હોય તો તેનું હ્રદય, બંને કીડની, લીવર, પેન્ક્રીયાઝ વગેરે લઈ લેવામાં આવે છે અને કોઈ બીમાર વ્યક્તિ કે જેના આ અંગોમાં કોઈ ખામી હોય અથવા આ અંગો નબળા પડી ગયા હોય તો તેનું રીપ્લેસમેન્ટ કરીને વ્યક્તિ કોઈ મોટી બીમારી કે બીમારીનાં કારણે અકાળે થતાં મૃત્યુથી બચી શકે છે. આ પ્રક્રિયાને તબીબી વિજ્ઞાન Deceased Organ Transplant એટલે કે બ્રેઇન ડેડ નાં અંગોનું પ્રત્યારોપણ એ નામે ઓળખાય છે. આધુનિક તબીબી વિજ્ઞાને માનવજાત માટે કરેલી આ અદભૂત અનુકૂળતા છે. સામે આવીને ઉભેલા મૃત્યુને મ્હાત કરવાનો આ કિમીયો છે. દેહદાનમાં વ્યક્તિનું સમગ્ર શરીર દાન કરી દેવામાં આવે છે. જે મેડીકલ કોલેજ, યુનિવર્સીટીનાં વિદ્યાર્થીઓને તેનાં પર રીસર્ચ કરી, ભણવામાં કામ લાગે છે.અંગદાનની ઈચ્છા ધરાવનાર વ્યક્તિએ પોતાના ઘરનાં સભ્યોને અગાઉથી જાણ કરવી જોઇએ.એનું કારણ એ છે કે જ્યારે પણ ભવિષ્યમાં વ્યક્તિનું બ્રેઇન ડેડ થાય તો તેના અવયવો સરળતાથી મળી શકે, જેનાથી અન્ય દર્દીને લાભ થાય. વ્યક્તિએ પોતાના સૌથી નજીકનાં કુટુંબીજનને એક અગત્યનાં ફોર્મ દસ્તાવેજ પર સહી કરવાની હોય છે. જેથી કોઇ સંજોગોમાં અકસ્માતે મગજને ઇજા પહોંચે અને તમે બ્રેઇન ડેડ થાવ તો તમારા સંકલ્પ પ્રમાણે અંગદાન લઇ શકાય. માનવીનું તંદુરસ્ત જીવન આ બધા અવયવો સાબૂત હોય અને સ્વસ્થતાથી પોતાનું કામ કરતા હોય તેના પર આધારીત છે. વિજ્ઞાને આ અવયવોની ખરાબ અવસ્થામાં પણ માનવીનું જીવન યથાવત રહે તે માટે ઘણી શોધો કરી છે. કૃત્રિમ વ્યવસ્થાઓ (શ્વસન માટે Ventilator કિડનીની નિષ્ફળતા વખતે Dialysis Machine વગેરે) મશીનોની શોધો તો કરી છે. પણ તોય કુદરતી અવયવોનું સ્થાન એ કૃત્રિમ મશીનો અત્યારે તો લઇ શકે તેમ નથી. પણ વિજ્ઞાને અને તબીબી વિજ્ઞાને એક લાજવાબ વ્યવસ્થા ઉભી કરી છે અંગ પ્રત્યારોપણ (Organ Transplant) ની. જીવંત અવયવો જો મળી જાય ને જેના અવયવો કામ નથી કરતા એવી વ્યકિતમાં તેનું પ્રત્યારોપણ થાય તો એ વ્યકિત (દદી )ને નવું જીવન મળે છે. આ માટે જરૂર પડે છે માનવીનાં અંગોની. આ અંગોની સતત ખેંચ હોય એ સ્વાભાવિક છે. કેટલાંક દર્દીઓને તેમનાં સગા—સ્નેહીનાં અંગ મળી જતાં હોય છે, પણ આ મુખ્ય અંગોની ગંભીર માંદગીવાળા હજારો દર્દી એવાં અંગો માટે તરસતાં હોય છે. બીજી તરફ માર્ગ અકસ્માત, બ્રેઇન હેમરેજ કે અન્ય રીતે તંદુરસ્ત વ્યકિતના મગજને ગંભીર ઇજાઓ Dead પહોંચે ત્યારે ઘણા બધાં સંજોગોમાં વ્યકિતનું મગજ નકામું થઇ જાય છે. તબીબી ભાષામાં એ વ્યકિત Brain (બ્રેઇન ડેડ) ગણાય છે. આવી વ્યકિતનાં કિડની, લીવર, હૃદય, પેન્ક્રીયાસ, ફેફસાં જેવા અંગો તદન સાબૂત અને જીવંત હોય છે. જો એ અંગો કાઢીને જેનાં આવા અંગો નિષ્ક્રીય થઈ ગયા છે તેમને અપાય તો તેમની જીંદગી બચી શકે છે. આ કાર્ય (Cadaver Organ Harvesting અથવા તો Cadavor Organ Donation) એટલે કે કેડેવર ઓર્ગન હાર્વેસ્ટીંગ અથવા કેડેવર ઓર્ગન ડોનેશન તરીકે ઓળખાતું હતું. હવે અંગ્રેજી શબ્દ Cadavor (કેડેવર) ને બદલે Deceased Organ (ડીસીઝડ ઓર્ગન) તરીકે ઓળખાય છે. To Decease (ડીસીઝ) એટલે મૃતપ્રાય થવું, મરણ પામવું એના પરથી વિશેષણ Deceased (ડીસીઝડ) જેનો અર્થ થાય છે હાલમાં મૃત્યુ પામેલું. સેંકડો વ્યકિતઓનાં અંગો આખરે અંતિમ ક્રિયા થતાં નાશ પામે છે. જે ખરેખર ઘણા લોકોને જીંદગી આપી શકે તેમ હોય છે. આ સમજ સમગ્ર સમાજમાં જેટલી વધુ ફેલાવી શકાય, તેટલાં વધુ અંગદાન થાય તો વધુ ને વધુ લોકોની જીંદગી બચી શકે, નવપલ્લીત થઇ શકે.
વિદેશોમાં આ ડીસીઝડ ઓર્ગન હાર્વેસ્ટીંગ (Decease Organ Harvesting) ની પ્રવૃતિ ખૂબ મોટાપાયે થતી હોય છે. તામિલનાડુ રાજયને બાદ કરતાં અન્ય રાજયોમાં આ પ્રવૃતિ તદન ઓછી છે. ખૂબ જ વિકસીત અને વિકાસશીલ ગણાતા ગુજરાતમાં પણ આ સેવા પ્રવૃતિ નહીંવત છે. ભારતમાં અંગદાનનું ચિત્ર સાવ કંગાળ છે. ૨૦૧૩ ના આંકડા મુજબ દર દસ લાખ જણે ૮૫૧ અંગદાન થાય છે. એમાં તામિલનાડુનો હિસ્સો ૪૫.૫૩ ટકા જેટલો સિંહભાગ છે. તામિલનાડુ પછી આંધ્રપ્રદેશનો હિસ્સો ૧૩.૧૬ ટકા અને કેરળનો હિસ્સો ૧૦.૩ર ટકા છે. આ ત્રણ પૈકી તામિલનાડુ અને આંધ્રપ્રદેશ ઓછાં વિકસીત ગણાય અને કેરળ સાવ ટચૂકડું ગણાય. આ ત્રણે રાજયોનો હિસ્સો આખા દેશના કુલ અંગદાનોમાં ૭૧.૪૨ ટકા જેટલો એટલે કે લગભગ પોણા ભાગ જેટલો થાય છે. બાકીના ૨૮.૫૩ ટકામાં આંખો દેશ. સૌથી મોટા રાજય ઉતર પ્રદેશનો, પંજાબ, જેવા વિકસીત રાજયોમાં નહીંવત અંગદાન થાય છે. દુનિયામાં ભારત અંગદાનના કિસ્સામાં ખૂબ જ પછાત છે. ભારતમાં મગજમૃત અંગદાન ખૂબ જ ઓછા થાય છે. વિશ્વમાં અંગદાનમાં સૌથી મોખરે ટચૂકડો દેશ ક્રોશિયા છે. જયાં દર દસ લાખે ૩૬.૫ અંગદાન થાય છે. સ્પેનમાં દર દસ લાખે ૩૫ અંગદાન થાય છે. તામિલનાડુ સરકાર અને મોહન ફાઉન્ડેશન જેવાં એનજીઓએ જબરજસ્ત કામ કર્યુ છે. દેશમાં આર્થિક વિકાસ માટે ભલે ગુજરાતમાં ધાર્મિક સંસ્થાઓ, ટ્રસ્ટો, રોટરી કલબ, લાયન કલબ જેવી સેવાભાવી સંસ્થાઓ આ લોકજાગૃતિની પ્રવૃતિ હાથ ધરે તો જેમ રકતદાનમાં ગુજરાતનો આખા દેશમાં ડંકો વાગે છે તેમ થઇ શકે. હજારો દર્દીઓ જે મરણોન્મુખ છે, એમને નવી જીંદગી મળી શકે.
શરીરનાં અવયવોનું દાન સ્ત્રી-પુરુષ બંને કરી શકે છે. તેને કોઇ પણ ઉંમર, ધર્મ કે જાતિ સાથે કોઇ નિસબત નથી. કોઇ ભેદભાવ નથી. કોઇ પણ વ્યક્તિ અંગદાન કરી શકે છે. બ્રેઇન ડેડ થયેલ દર્દીએ અંગદાન કર્યું હોય તો ટ્રાન્સપ્લાન્ટની ટીમ બ્રેઇન ડેડ દર્દીનું તબીબી પરીક્ષણ કરીને અવયવોનું દાન કરવા યોગ્ય છે કે નહીં તે તપાસીને તેની ચકાસણી કરે છે. શરીરમાંથી અવયવ બહાર કાઢીને તેનું પ્રત્યારોપણ કરવું એ એક વ્યવસ્થિત પ્રક્રિયા છે.તેમાં શરીરનું બિનજરૂરી ડિસેક્શન કરવામાં આવતું નથી. તેના લીધે અંતિમવિધિમાં કોઇ પણ પ્રકારની અડચણ થતી નથી. અંગદાનને મહાદાન કહેવામાં આવ્યું છે, કારણ કે તેનાંથી આ દુનિયામાંથી જતા જતા પણ કોઈ અન્ય મનુષ્યનું જીવન અમર બનાવી શકાય છે. રાજકોટમાં ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને અન્ય અનેક સંસ્થાઓ આ દિશામાં ખુબ જ સારું કાર્ય કરી રહી છે. અત્યાર સુધીમાં આ ફાઉન્ડેશન તેમજ અન્ય સંસ્થાઓનાં સહકારથી ૯૯ જેટલા અંગદાન થઈ શક્યા છે. જેમાં ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનનાં ટ્રસ્ટીઓ ડો. દિવ્યેશ વિરોજા, ડો. સંકલ્પ વણઝારા, ડો. તેજસ કરમટા, મિતલ ખેતાણી, નિતીનભાઈ ઘાટલીયા, વિક્રમભાઈ જૈન, ભાવનાબેન મંડલિ, હર્ષિતભાઈ કાવર તેમજ અન્ય અનેક નાની મોટી સંસ્થાઓ, ડોક્ટર્સ, પેરામેડીકલ સ્ટાફ, પોલીસ તંત્ર, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા, અન્ય સરકારી સંસ્થાઓ, સામાજિક કાર્યકર્તાઓનો મોટો ફાળો રહ્યો છે.

– મિત્તલ ખેતાણી(મો. 98242 21999)

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *