• સ્ત્રી એટલે વાત્સલ્ય, માંગલ્ય, માતૃત્વ અને કર્તવ્ય.
  • હું મરવા માટે તૈયાર નથી, કારણ કે જીવવા માટે અનંત હિંમતની જરૂર છે. – સરોજિની નાયડુ

સરોજિની નાયડુનો જન્મ 13 ફેબ્રુઆરી 1879નાં રોજ હૈદરાબાદનાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેઓ ભારતનાં પ્રથમ મહિલા રાજ્યપાલ હતાં. તેમના પિતાનું નામ અઘોરીનાથ ચટ્ટોપાધ્યાય હતું, જેઓ વિદ્વાન, વૈજ્ઞાનિક, તત્ત્વજ્ઞ, સમાજસુધારક અને કેળવણીકાર હતા. સરોજિનીનાં માતાનું નામ વરદાસુંદરીદેવી હતું. સરોજિની નાયડુ 12 વર્ષની  ઉંમરે મેટ્રિકની પરીક્ષા પાસ કરીને મદ્રાસમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા હતા ત્યારબાદ 1895માં તેઓએ ઈંગ્લેન્ડમાં લંડનની ‘કિંગ્ઝ કોલેજ’ અને ‘કેમ્બ્રિજની ગિરટન’ કોલેજમાં વિદ્યાભ્યાસ કર્યો. તેઓ 14 વર્ષની વયે ગોવિંદા રાજુલુ નાયડુ સાથે પરિચયમાં આવ્યા હતા અને 1898માં સરોજિનીએ નાયડુ સાથે ‘સિવિલ મૅરેજ’ કર્યા હતા. એમને ચાર સંતાનો હતા: જયસૂર્ય, પદ્મજા, રણધીર અને લીલામણિ. તે કવિતાઓ પણ લખતા હતાં. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘હીરાની ઉંબર’ ઇ.સ. 1905માં બહાર પડ્યો. તેમણે ‘ધ લેડી ઓફ ડ લેક’ શીર્ષક હેઠળ 1300 પંક્તિઓની કવિતા તથા 2000 પંક્તિઓનું નાટક લખ્યું હતું. તેમણે ‘ધ ગોલ્ડન થ્રેશેલ્ડ’, ‘ધ બર્ડ ઓફ ટાઈમ’ અને ‘ધ બ્રોકન વિંગ’ નામનાં કાવ્યસંગ્રહો પણ લખ્યા હતાં.

ઇ.સ. 1908માં મદ્રાસમાં મળેલા વિધવા પુન:લગ્ન માટેનાં અધિવેશનમાં તેમણે સ્ત્રીઓને જાગૃત કરવા અથાગ પરિશ્રમ કર્યો હતો. 1914માં ગાંધીજીને મળ્યા અને તેમના જીવનમાં પરીવર્તન આવ્યું અને તેઓ સ્ત્રીસેવા, સમાજસેવા અને સત્યાગ્રહની લડતમાં ગળાબૂડ ડૂબી ગયા.  ઇ.સ. 1915થી 1918સુધી તેમણે ભારતનાં વિવિધ ગામડાં અને શહેરોમાં પૂર્વકકલ્યાણ, શ્રમનું ગૌરવ, મહિલાઓની મુશ્કેલીઓની મુક્તિ તથા રાષ્ટ્રવાદ પર પ્રવચનો આપતા હતા. તેમણે મોટેગ્યુંચેમ્સ્ફર્ડનો સુધારા અને રોલેટ એક્ટનો પણ ખૂબ વિરોધ કર્યો હતો. જ્યારે હૈદરાબાદની મૂસી નદીમાં પૂર આવ્યું હતું ત્યારે સરોજિનીએ રાહતકાર્યોનું આયોજન કર્યું હતું. તે બદલ બ્રિટિશ સરકારે એમને ‘કૈસર-એ-હિંદ’ ખિતાબ અને સુવર્ણચંદ્રકથી સન્માનિત કર્યા હતા. બ્રિટિશ સરકારનાં ભારતીયો પ્રત્યેનાં અન્યાયી અને કઠોર વર્તનથી યાતના અનુભવતાં તેમણે  આ ખિતાબ અને સુવર્ણચંદ્રક સરકારને પરત કર્યા હતા. 1942નાં હિન્દ છોડો આંદોલનમાં ભાગ લઈ તેમણે 21 મહિનાની જેલની સજા ભોગવી હતી. તેમણે પોતાનું સમગ્ર જીવન સાહિત્યની અને લોકોની સેવા કરવામાં જ વિતાવ્યું હતું. વિશ્વની દરેક નારી કે જે પોતાના જીવનમાં કશુંક કરવા માંગે છે તેમને માટે સરોજિની નાયડુએ એક શ્રેષ્ઠત્તમ ઉદાહરણ પૂરો પાડ્યું છે.

– મિત્તલ ખેતાણી(મો. 98242 21999)  

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *