• પ્રકૃતિમાં જ પ્રેમ છે
  • તે લીધેલા શ્વાસનો મેં કરેલો અહેસાસ એટલે પ્રેમ
  • પ્રેમનાં દિવસો ન હોય, પ્રેમનાં તો દશકાઓ હોય
  • પ્રેમ દેવો ભવ:

વેલેન્ટાઇન્સ ડે અથવા તો સંત વેલેન્ટાઇન્સ ડે 14મી ફેબ્રુઆરીનાં રોજ વિશ્વના ઘણા લોકો દ્વારા ઉજવવામાં આવે છે. પૂર્વ ખ્રિસ્તી ધર્મમાં શહીદ થયેલા અનેક પૈકી બે વ્યક્તિનાં નામ ઉપરથી આ દિવસનું નામ વેલેન્ટાઇન રાખવામાં આવ્યું છે. સાહિત્યકાર જ્યોફ્રી ચોસરનાં વર્તુળમાં આ દિનને લાગણીસભર પ્રેમ સાથે સાંકળવામાં આવ્યો. આ યુગ ઉચ્ચ મધ્યમ યુગ હતો કે જે દિવસોમાં રૂમાની પ્રેમની પરંપરા ખૂબ જ પાંગરી હતી. આ દિવસ પ્રેમીઓ માટે ખુબ જ ખુશીનો દિવસ હોય છે.      

પ્રેમ, દુનિયાનો સૌથી સુંદર શબ્દ હોય, અનુભવ હોય તો એ છે પ્રેમ. આજે આ શબ્દ ચારે દિશામાંથી સંભળાતો હોય છે. સમગ્ર દુનિયાની તમામ વ્યક્તિઓનાં મુખ પર આ શબ્દ કોઈ ન કોઈ રીતે એકવાર તો આવ્યો જ હોય છે. દરેક સ્થાનેથી તેનાં પડઘા સંભળાતા હોય છે. પ્રેમનાં ઘણા સ્વરૂપો છે અને આ સ્વરૂપોથી જ તે વિવિધ સંબંધોમાં પરિવર્તિત થતો હોય છે; જેમ કે મા-દીકરો, પિતા અને દીકરીનો સંબંધ, પતિ-પત્ની, ભાઈ-બહેન, દોસ્તી વગેરે. આ બધું જ આપણે માણસોમાં જ  જોયું છે, પરંતુ એ જ દ્રષ્ટિને વિસ્તૃત કરીને આપણે ક્યારેય પશુ-પક્ષી કે પ્રાણીઓ તરફ પ્રેમ ભરી નજરોથી જોવાનો પ્રયત્ન કર્યો છે ? એ જયારે ખાય છે, કલબલાટ કરે છે, એકબીજા સાથે વાતો કરતા હોય છે, આરામ કરતા હોય છે ત્યારે એમને જોઇને ક્યારેય પ્રેમ પ્રગટ થાય છે ? શું એમને ક્યારેય કોઈ સન્માનની દ્રષ્ટીએ જુએ છે ?

કુદરત અલૌકિક છે, જેમ મનુષ્યો છે તેમ સૃષ્ટિમાં પશુ,પક્ષી, પ્રાણીઓ પણ છે. એ પણ પ્રકૃતિ છે અને પ્રકૃતિમાં જ પ્રેમ સમાયેલો છે અને જે પ્રાકૃતિક છે એને ફક્ત પ્રેમ થકી જ સન્માન આપી શકાય છે. કોઈ જ્યારે રસ્તા પરથી પસાર થાય છે ત્યારે રસ્તામાં ગાય, ભેંસ, કૂતરો, બિલાડી પોતપોતાની પ્રકૃતિ દ્વારા પ્રતિભાવ આપતા રહે છે. જો ક્ષણભર વિચારીએ કે માણસ જે રસ્તા પરથી પસાર થાય છે ત્યાં જો ગાય, ભેંસ, કૂતરો કે બિલાડીનાં અવાજો સાંભળવા ન મળે, એમને જોવા ન મળે તો એવું લાગશે જાણે સૃષ્ટિ પ્રાણહીન થઈ ગઈ હોય. આવી જ રીતે જો મકાનોની છત ઉપર પક્ષીઓ કલબલાટ કરતા બેઠા હોય છે અને ક્યારેક તો તેઓ પ્રેમાલાપમાં પણ વ્યસ્ત હોય છે આ તેમની પ્રકૃતિ છે. જો એમની રક્ષા કરવામાં નહીં આવે તો એ પ્યારી આંખો, નુકુલી(અણીદાર) ચાંચો અને એ થકી જ એમનાં દાણા ચણવાની અદા, એમની પ્રેમભરી વૃત્તિઓ, પોતાના નાના નાના સુંદર પગથી અહીંથી તહીં ફરવાની એમની સુંદર વૃત્તિઓ આપણે ક્યાં શોધીશું ? કીડીઓ જમીન પર ચાલે છે ત્યારે તે બધી જ એકસાથે એક જ ક્રમમાં ચાલે છે, એકબીજાનાં કાનમાં કંઈકને કંઇક કહીને તેઓ એકબીજાને આવનારી મુસીબતથી સાવધાન કરે છે, આ પ્રકારનું અનુશાસન અને એકમેકને મદદે આવવાની આ વૃત્તિ માણસોમાં પણ જોવા મળતી નથી. જયારે કૂતરાની વાત કરીએ તો એને તો સૌથી સમજદાર પ્રાણી માનવામાં આવે છે, ક્યારેક એની આ જ સમજદારી અને સતર્કતાનો ફાયદો ઉઠાવીને મનુષ્ય દ્વારા તેને હેરાન કરવામાં કે હડધૂત પણ કરવામાં આવે છે. ગૌમાતાને તો આપણા દેશમાં પ્રાચીનકાળથી જ પૂજનીય ગણવામાં આવે છે અને વન્યપ્રાણીઓ પણ એકરીતે તો જંગલનાં રક્ષક જ સાબિત થાય છે. આ સમગ્ર કુદરતનું પ્રદાન છે. અહીં પ્રશ્ન એ છે કે કુદરતની આ ભેટોને જો માણસ નહીં સાચવે, તેને પ્રેમ અને સન્માન નહીં આપે તો કોણ આપશે ? તો ચાલો આ વેલેન્ટાઇન ડે એટલે કે પ્રેમ દિવસને ખરી રીતે ઉજવીએ અને સમગ્ર સૃષ્ટિનાં તમામ જીવોને પ્રેમ અને સન્માન આપીએ. વિખ્યાત લેખક સુરેશ દલાલની પંક્તિઓમાં કહીએ તો ; રાત દિવસનો રસ્તો વ્હાલમ, નહીં તો ખૂટે કેમ ? તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ        

– મિત્તલ ખેતાણી(મો. 98242 21999)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *