
ભારત દેશનાં સ્વતંત્રતા દિવસ તરીકે 15મી ઓગસ્ટનાં દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. 1947નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે. દેશનાં તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (રાજ્ય સરકારો, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો) દ્વારા ધ્વજ વંદનનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મુખ્ય સમારંભ નવી દિલ્હીમાં ઉજવવામાં આવે છે જેમાં ભારતનાં વડાપ્રધાન લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવે છે અને પ્રજાજોગ સંદેશ આપે છે, જેનું ટેલિવિઝન પર જીવંત પ્રસારણ કરવામાં આવે છે. આ સંદેશામાં તેઓ સરકારની પાછલા વર્ષની સિદ્ધિઓ વર્ણવે છે, મહત્ત્વનાં મુદ્દાઓ જણાવે છે અને વધુ પ્રગતિ તથા વિકાસ માટે દેશને પડકાર કરે છે. વડા પ્રધાન આઝાદીની ચળવળનાં નેતાઓને શહિદોને શ્રદ્ધાંજલિ આપે છે અને સ્વાતંત્ર્ય સેનાનિઓને યાદ કરે છે. ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન, વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે દેશે કરેલી પ્રગતિ વિગેરેની ઝાંખી, ભારતની શસ્ત્ર તાકાતનું નિદર્શન અને દેશના સુરક્ષા દળોની પરેડ આ ઉજવણીનું અભિન્ન અંગ છે.
ભારતમાં બ્રિટીશ શાસનનાં મૂળ મજબુત થયા તેનું મુખ્ય કારણ ઇસ્ટ ઇન્ડીયા કંપની હતી. મુખ્યત્વે વ્યાપાર અર્થે ભારતમાં સ્થપાયેલી આ કંપનીએ ધીમે ધીમે સમગ્ર ભારતને પોતાના હસ્તક લઈ લીધું હતું ત્યારબાદ અસહકારની લડત, ચંપારણ સ્ત્યાગ્રહ, હિંદ છોડો આંદોલન, દાંડી કૂચ જેવા કેટકેટલા આંદોલનો કર્યા બાદ દેશને આઝાદીનો રસ ચાખવા મળ્યો અને એમાં પણ કોમી આંદોલનો અને અલગ રાષ્ટ્રની માંગને કારણે સ્વતંત્રતાનો આનંદ સંપૂર્ણ રીતે ન માણી શકાયો. આ વર્ષે જ્યારે ભારતની આઝાદીને 75 વર્ષ પૂરાં થાય છે ત્યારે દેશને આઝાદી કાળથી નડતરરૂપ પ્રશ્નોનો હજુ સુધી નિરાકરણ નથી આવ્યું તે ખરેખર દુઃખની વાત કહેવાય પરંતુ સાથે જ ટેકનોલોજી અને સંરક્ષણની બાબતમાં દેશમાં ઘણી પ્રગતિ થઈ છે. વળી વર્તમાન સમયમાં પડતી કોરોનાની મુશ્કેલી સામે ભલે ઘણી બધી બાબતો સાથે પણ એક જ વર્ષની અંદર ભારત જેવા દેશમાં વેક્સીનેશન શરુ થઈ ગયું છે તેનો હરખ પણ ઓછો ન જ ગણી શકાય. 15મી ઓગસ્ટને દિવસે ભારત સાથે અન્ય પાંચ દેશો બહેરીન, દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા, લીક્ટેસ્ટીન અને કાંગો ગણરાજ્ય પણ આઝાદ થયા હતા અને આ દેશો ભારત સાથે 15મી ઓગસ્ટે જ પોતાનો સ્વાતંત્ર્ય ઉજવે છે. ચાલો આ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આપણે સૌ જેઓ આપણી આઝાદી માટે શહીદ થયા છે અને હજુ પણ દેશની આઝાદી અકબંધ રહે તે માટે શહીદ થઈ રહ્યા છે તેમનાં બલિદાનને બિરદાવવા માટે તેમની વંદના કરીએ અને સત્ય, અહિંસા, પ્રમાણિકતાનાં ગાંધીજીનાં સિદ્ધાંતો પર ચાલીને દેશને ઉન્નત બનાવીએ, વખત આવ્યે સમગ્ર વિશ્વની મદદે આવીએ અને ભારતને ફરીથી વિશ્વ ગુરુ બનાવીએ.
– મિત્તલ ખેતાણી(મો. 98242 21999)