લાલા લાજપતરાય ભારતમાં બ્રિટિશ શાસન વિરુદ્ધ લડવા વાળા મુખ્ય ક્રાંતિકારીઓ પૈકી એક હતા. તેઓ ”
પંજાબ કેસરી” (પંજાબનાં સિંહ) નામે ઓળખાતા હતા. તેમનો જન્મ 28 જાન્યુઆરી, 1865નાં રોજ દુધીકે ગામે થયો હતો જે હાલમાં પંજાબના મોગા જિલ્લામાં સ્થિત છે. લાલાજી મુનશી રાધાકિશન આઝાદ અને ગુલાબ દેવીના સૌથી મોટા પુત્ર હતા. તેમના પિતા લાલા રાધાકૃષ્ણ અગ્રવાલ અધ્યાપક અને ઉર્દુનાં પ્રસિદ્ધ લેખક હતા. આથી બાળપણમાં જ લાલા લાજપતરાયને લેખન અને ભાષણ પ્રત્યે ખૂબ જ રુચી રહેતી હતી. બાળપણમાં તેમને માતાના ઉચ્ચ મૂલ્યોની શિક્ષા મળી હતી. પ્રાથમિક શિક્ષણ સ્થાનિક શાળામાં પૂરું કરીને આગળ અભ્યાસ માટે લાલા લજપતરાય લાહોર ગયા. અહીં તેમણે વકીલાતનો અભ્યાસ કર્યો અને ત્યારપછી વકીલાત શરૂ કરી દીધી. લાલાજીએ 12 વર્ષની વયે દયાનંદ સરસ્વતીનાં પ્રવચનો સાંભળ્યા અને હિંદુ ધર્મની સેવા કરવાનો દ્રઢ નિશ્વય કર્યો. વ્યવસાય અને અભ્યાસની સાથોસાથ લાલા લજપતરાયે સેવાનું કામ કર્યું. તેઓ આઝાદીની ચળવળમાં જોડાયા. લાલ, બાલ, પાલની ત્રિપુટી લાલા લજપતરાય, બાલ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ ‘લાલ, બાલ, પાલ’ તરીકે ખ્યાતિ પામ્યા. આ ત્રણેય બહાદુરોએ ભારત દેશની સંપૂર્ણ સ્વતંત્રતા માટેની માંગ ઉઠાવી હતી. પંજાબ કેસરી સ્વામી દયાનંદ સરસ્વતી સાથે મળીને લાલા લજપતરાયે પંજાબમાં આર્ય સમાજને લોકપ્રિય બનાવ્યો. લાલાજી 1886માં લાહોરમાં “દયાનંદ એંગ્લો વૈદિક કોલેજ”ની સ્થાપનામાં મોખરે રહ્યા. જેમાં કોલેજમાં ભગતસિંહ જેવા યુવાન ક્રાંતિકારીઓ ભણ્યા હતા. 30 ઓક્ટોબર, 1928નાં રોજ સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે અંગ્રેજોએ તેમના ઉપર લાઠીચાર્જ કર્યો જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા. આ કારણે જ 17 નવેમ્બર, 1928નાં રોજ આ વીર શહીદ થયા. લાલાજીની શહાદતનો બદલો લેવા માટે ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુ જેવા ક્રાંતિકારીઓએ અંગ્રેજો સામે શસ્ત્રો ઉપાડ્યા. લાલા લજપતરાયે કહ્યું હતું, ‘મારા શરીર પર પડેલો લાઠીનો એક ફટકો બ્રિટિશ સરકારના કોફીન પર એક ખીલાનું કામ કરશે.’ સાચે જ તેમના આ શબ્દો સાચા પડ્યા અને તેમના અવસાનનાં વીસ જ વર્ષમાં આખરે બ્રિટિશ સામ્રાજ્યનો અંત આવ્યો. લાલાજીએ તેમનાં જીવનમાં ‘યંગ ઈન્ડિયા’ નામે પુસ્તક લખ્યું હતું, પણ આ પુસ્તકનાં વિમોચન પહેલાં જ ભારત અને બ્રિટનમાં પ્રતિબંધ મુકાયો હતો.
- મિત્તલ ખેતાણી(મો. 98242 21999)