
- રમત રમો, સ્વસ્થ રહો, મસ્ત રહો
ભારતમાં દર વર્ષે 29,ઓગસ્ટ ને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આ દિવસને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવાનું મુખ્ય કારણ હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદજીનો જન્મ દિવસ છે.મેજર ધ્યાનચંદજી આપણી રાષ્ટ્રીય રમત હોકીના પ્રસિદ્ધ રમતવીર હતા.તેથી તેમના જન્મદિવસ ને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.મેજર ધ્યાનચંદજી હોકી લઈને જ્યારે રમતના મેદાનમાં ઉતરે ત્યારે જાણે કોઈ જાદુ કરતા હોય એમ તે રમતને જીતાડી દેતા.તેઓ જ્યારે ભારતની હોકી ટીમના કેપ્ટન હતા તે સમયે ઓલેમ્પિકમાં ત્રણવાર સુવર્ણચંદ્રક ભારત ટીમે જીત્યા હતા. તેમને “હોકી વિઝાર્ડ” નું ટાઇટલ આપવામાં આવ્યું હતું આ ઉપરાંત તેમને હોકીના જાદુગર પણ કહેવામાં આવતા હતા.ભારત સરકાર દ્વારા મેજર ધ્યાનચંદજી ને પદ્મભૂષણ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત દિલ્લીમાં આવેલ રાષ્ટ્રીય સ્ટેડીયમનું નામ પણ “ધ્યાનચંદ સ્ટેડીયમ” પાડવામાં આવ્યું છે.
ઘણા બાળકો નાના હોય છે ત્યારે તેમને ભણતરનાં સ્થાને રમત-ગમતમાં વધુ રસ પડે છે. એ વખતે એમના માતા-પિતા એમને રમત ગમત છોડીને ભણતરમાં ધ્યાન આપવા માટે આગ્રહ કરે છે, પરંતુ તેમને સમજવું જોઈએ કે બધા બાળકો એક સરખા નથી હોતા કોઈને ગાયનમાં રસ હોય, કોઈને વાદનમાં એમ કોઈને રમત ગમતમાં રસ હોય છે. વળી માતા પિતા પણ સમજતા હોય અને શાળામાં પણ સ્પોર્ટ્સની ટ્રેનીંગ વ્યવસ્થિત મળતી હોય છતાં પણ અંતે તો વિશ્વનાં પ્લેટફોર્મ પર ભારતીય ખેલાડીઓ ભારતનાં નામને જ પ્રદર્શિત કરતા હોય છે, પરંતુ એ સામે દેશમાં રમતવીરોને નાણાકીય સહાયથી લઈને જે કોઈ પ્રકારનું પ્રોત્સાહન જોઈએ એ પર્યાપ્ત માત્રામાં પ્રાપ્ત થતું નથી. તાજેતરમાં જ ઓલેમ્પિકનું ઉદાહરણ જોઈ રહ્યા છીએ, આશરે એક સો સાડત્રીસ કરોડ જનતાની સામે ઓલેમ્પિકમાં મળેલા સાત મેડલ પૂરતા છે ? આટલા લોકોની વસતી ધરાવતા દેશમાં માત્ર ઓલેમ્પિક સુધી પહોંચેલા ગણ્યા ગાઠયા લોકોને જ રમત ગમતમાં રસ પડ્યો હશે એવું તો ન હોય. ક્યાંક કોઈને માર્ગદર્શન ન મળ્યું હોય, સહાય ન મળી હોય એવું બને. આ માટે ખેલ મહાકુંભ,વાર્ષિક રમતોત્સવ અને રમતગમત સ્પર્ધા જેવી પ્રવૃતિઓ દ્વારા બાળકોને રમતો પ્રત્યે જાગૃતતા કેળવાય અને બાળકોનો શારીરિક વિકાસ થાય તે હેતુસર ચોક્કસ યોજવામાં આવે છે પરંતુ એ પુરતું નથી જ. રમતોની મદદથી યુવાનોને નશાથી દૂર લઈ જઈ શકાય છે,તેમની અંદર રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવવા,તેમની પ્રતિભાઓને બહાર લાવી શકાય છે માટે આ રાષ્ટ્રીય રમત દિવસ પર રમતવીરો અને રમતગમતની સુવિધાઓ વધારવા તરફ ધ્યાન આપવું જોઈએ. હાલમાં જ આ દિશામાં ધીમી પરંતુ મક્કમ શરૂઆત થઈ છે જે પ્રકારે આ વર્ષે ભારતનાં ખેલાડીઓ નીરજ ચોપરા, બજરંગ પુન્યા, મીરાંબાઈ ચાનું, રવિ કુમ દહિયા, લવલીના બોર્ઘોઈન, પી.વી સિંધુ અને હોકી ટીમને મેડલ મળ્યા તે આનંદની વાત છે, પરંતુ તે પુરતું નથી. હજુ આ દિશામાં અચૂક પગલાં લેવા જોઈએ.

– મિત્તલ ખેતાણી(મો. 98242 21999)