• “રાષ્ટ્રીય એકતા દિવસ”
  • “કાળજું સિંહનું રાખો, સાચું કહેવાની હિંમત રાખો, અન્યાયની સામે અવિરત લડત ચાલુ રાખો, ઘરની વાત ઘર માં રાખો.” – સરદાર પટેલ

દર વર્ષે લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલનાં જન્મદિવસને “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. સરદાર પટેલ ભારતનાં પહેલા ગૃહમંત્રી હતા અને સ્વતંત્રતા મેળવ્યાં બાદ દેશમાં રાજા રજવાડાઓનું એકીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણનું શ્રેય તેમની રાજનીતિક ક્ષમતાને દેખાડે છે. સરદાર પટેલનો જન્મ 31 ઓક્ટોબર, 1875નાં રોજ ગુજરાતનાં નડિયાદમાં થયો હતો. તેમનાં પિતા ઝવેરભાઇ અને માતા લાડબાના ચોથા સંતાન તરીકે વલ્લભભાઇનો જન્મ થયો. કરમસદમાં રહેતા ઝવેરભાઇ અને લાડબા બંને ખેડૂત હતા અને ખેતી વડે જ પોતાની આજીવિકા ચલાવતા હતા. માતા-પિતા બંને ધાર્મિક પ્રકૃતિનાં વ્યક્તિ હોવાથી તેમની ધર્મપરાયણતા, સંયમ, સાહસિકતા, સહિષ્ણુતા અને દેશપ્રેમ જેવા ગુણોનો પ્રભાવ વલ્લભભાઇ પટેલનાં ચારિત્ર્ય પર સ્પષ્ટ જોવા મળતો હતો. વલ્લભભાઇએ પ્રાથમિક શિક્ષણ તેમના વતન કરમસદની પ્રાથમિક વિદ્યાલયમાંથી જ મેળવ્યું હતું. પિતા ઝવેરભાઇ વલ્લભભાઇને ભણાવવામાં ખૂબ જ રસ ધરાવતા હતા. તે પુત્ર વલ્લભને ભણાવી-ગણાવી એટલો હોશિયાર બનાવવા માંગતા હતા કે ભવિષ્યમાં તેમને ખેતી કરવી ન પડે. જેના કારણે વલ્લભભાઇ બાળપણમાં ખેતરમાં કામ તો કરતા હતા સાથેસાથે અભ્યાસ પણ કરતા હતા. 22 વર્ષની વયે નડિયાદની સરકારી અંગ્રેજી શાળામાં વલ્લભભાઇએ મેટ્રિકની પરીક્ષા પાસ કરી. જે બાદ તેઓ વકીલાતની પરીક્ષામાં પણ ઉતીર્ણ થયા. જેના લીધે તેમને વકીલાત કરવાની મંજૂરી મળી અને પંચમહાલનાં ગોધરામાં વકીલાતનો પ્રારંભ કર્યો. વકીલ તરીકે વલ્લભભાઇની ખ્યાતિ ધીમે-ધીમે વધવા લાગી અને જોતજોતામાં વલ્લભભાઇ એક ખ્યાતનામ વકીલ બની ગયા. સરદારે દેશને સ્વાતંત્ર્ય અપાવાની લડત માટે ઘણા ત્યાગ કર્યા હતા. તેઓ પૂર્ણપણે તમામ સત્યાગ્રહો અને વિવિધ અહિંસક લડતોમાં ગાંધીજીની સાથે રહ્યા હતાં ઉપરાંત આઝાદી મળ્યા પછી પણ અખંડ ભારતને અખંડ બનાવવાનું ખુબ જ મહેનત અને કુનેહ માંગતું કામ એમણે કરી બતાવ્યું હતું. તેઓએ અંગ્રેજ સરકાર સામેની લડત વખતે ઘણા ત્યાગ કર્યા હતાં. ગાંધીજીની સાદગી જોઇને તેમણે પણ સુટ બુટનો પણ ત્યાગ કરી દીધો હતો. તેમણે અનેક ટુકડાઓમાં વસેલા ભારતને અખંડ ભારત બનાવીને દેશને એકતાનો મહત્વપૂર્ણ સંદેશો આપ્યો.

આજે દેશનાં યુવાનોને સમજાવવાની જરૂર છે કે દેશ માટે એકતા કેટલી મહત્વની છે માટે જે રાષ્ટ્રીય એકતા દિવસ હોવો ખૂબ જ જરૂરી છે. આજના સમયમાં એકતા તૂટવાને આરે છે પછી એ દેશ-દેશ વચ્ચેની એકતા હોય, રાજ્ય-રાજ્ય વચ્ચેની હોય, શહેર-શહેરની હોય કે પછી પરિવાર વચ્ચેની કેમ ન હોય. પરિવારમાં પણ સંપનો અભાવ જોવા મળે એ તો ખરેખર દયનીય બાબત છે. આજે એકતા તો દુરની વાત છે પણ સૌ કોઈ હરીફાઈની હોડમાં છે જેનાં કારણે બીજા આર્થિકથી લઈને બીજા તમામ પ્રકારનાં નુકસાન થાય છે. એકતા માટે આજની પેઢી અને પહેલાની પેઢી વચ્ચે પરસ્પર વિચારોનું સાતત્યપૂર્ણ આદાનપ્રદાન ખૂબ જ જરૂરી છે. કારણ કે આજનો યુવા જુની પેઢીના વિચારોનો ખૂબ વિરોધ કરે છે. તો જુની પેઢીના લોકો આજના યુવા પેઢીના વિચારો સાથે સહમત થતા નથી. એના કારણે જ પરિવારમાં મોટા ભાગના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તેથી એકતાનું મહત્વ પહેલા પરિવારને સમજવું જોઈએ, જે સમાજનું સૌથી નાનું એકમ છે. કારણ કે જો સમાજમાં એકતા ન હોય તો આપણે ગામ, શહેર, રાજ્ય અને દેશમાં એકતાની અપેક્ષા કેવી રીતે રાખી શકીએ ! તેથી એકતાનું મહત્વ સમજીએ અને પ્રેમ, ત્યાગને અપનાવીએ.

એકતામાં જ અખંડીતતા.    

– મિત્તલ ખેતાણી(મો. 98242 21999)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *