“ઇન્ટરનેશનલ ચેરિટી ડે” 5 સપ્ટેમ્બરમાં મનાવવામાં આવે છે. “ઇન્ટરનેશનલ ચેરિટી ડે” દાનનું મહત્ત્વ દર્શાવવાના ઉદ્દેશ્યથી મનાવવામાં આવે છે. સનાતન ધર્મમાં દાનને મહાન કર્મ દર્શાવવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે દાન કરવાથી પુણ્યફળ પ્રાપ્ત થાય છે. યૂનાઇડેટ નેશને વિકસિત દેશોની મદદ કરવા અને તેમનું જીવન સ્તર સુધારવા માટે લોકોને મદદ કરવા માટેની અપીલ કરતાં 5 સપ્ટેમ્બરનાં રોજ “ઇન્ટરનેશનલ ચેરિટી ડે” એટલે કે “આંતરરાષ્ટ્રીય દાન દિવસ” મનાવવાની શરૂઆત કરી હતી. વર્ષ 2012માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ “ઇન્ટરનેશનલ ચેરિટી ડે”ની સત્તાવાર જાહેરાત કરી. વર્ષ 2011માં હંગેરીનાં સંસદ અને સરકારનાં સમર્થનથી હંગેરીનાં નાગરિક સમાજની પહેલથી “ઇન્ટરનેશનલ ચેરિટે ડે” મનાવવાની શરૂઆત કરવામાં હતી. 5 સપ્ટેમ્બરનાં રોજ મધર ટેરેસાની પુણ્યતિથિ પર “ઇન્ટરનેશનલ ચેરિટી ડે” મનાવવામાં આવ્યો. મધર ટેરેસાએ સમાજમાંથી ગરીબી દૂર કરવા, જરૂરતમંદ લોકોની મદદ કરવા અને તેમની તકલીફોને દૂર કરવાના કાર્યોમાં તેમણે અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું. “ઇન્ટરનેશનલ ચેરિટી ડે” આપણા બધા વચ્ચે સામાજિક જવાબદારીઓ વધારવા, એકતા અને ધર્માર્થ કારણો માટે જનતાનું સમર્થન વધારવાનું કાર્ય કરે છે.
દાન આપવાની વાત કરીએ ત્યારે સૌથી પહેલા જો કોઈ નામ, વ્યક્તિ કે કાર્ય ધ્યાનમાં આવે તો તે છે દાનવીર કર્ણ દ્વારા અપાતું દાન. સંધ્યાકાળે એ જયારે સૂર્યદેવની અર્ચના કરતા ત્યારે કોઈ પણ વ્યક્તિ એમની પાસે જે કંઈ માંગે તે ખુશી ખુશી આપી દેતા. કહેવાય છે કે મહાભારતનાં યુદ્ધ દરમિયાન જયારે કર્ણ રણભૂમિ પર ઘાયલ પડ્યા હતા ત્યારે પણ ઈન્દ્રદેવ તેમનાં દાનવીર હોવા અંગેની તેમની પરીક્ષા કરવા દાન માંગવા આવી પહોચ્યા હતા અને અત્યંત ખરડાયેલી હાલતમાં પણ કર્ણે ઈન્દ્રદેવને પોતાનો સોનાનો દાત ભેટમાં આપ્યો હતો. આ તો હતી ઇતિહાસની વાત હવે જો વર્તમાન પરીસ્થિતિની વાત કરીએ તો આજે કોઈને કર્ણ બનવાની આવશ્યકતા નથી પરંતુ જો પોતાને કોઈ જરૂરીયાતમંદ દેખાય તો તેની બને તેટલી તેની મદદ થઈ રહે તેટલું તો શક્ય છે જ. ગાંધીજીએ પણ ટ્રસ્ટીશીપનાં સિદ્ધાંત અંગે જણાવ્યું હતું કે જેટલી આવશ્યકતા હોય તેટલું જ માણસે પોતાની પાસે રાખવું જોઈએ બાકીનું દાનમાં આપી દેવું જોઈએ. પ્રવર્તમાન કોરોના કાળને કારણે ઘણાનાં ધંધા રોજગાર ખોરવાયા છે ત્યારે આપણાથી બની શકે તેટલી મદદ, થઈ શકે તેટલું દાન અવશ્ય કરવું જોઈએ. થઈ શકે તો પોતાની આવકનાં દસ ટકા કાયમ દાનમાં આપવા જોઈએ એવું શાસ્ત્રોમાં પણ લખ્યું છે. દાનની રકમનો ઉપયોગથી ઘણા સારા કર્યો થઈ શકે છે. વૃદ્ધાશ્રમનાં વડીલો, અનાથાશ્રમનાં બાળકો, હોસ્પિટલમાં દર્દી નારાયણ માટે, દરિદ્ર નારાયણ માટે, જીવદયામાં, ગૌસેવા માટે કે અન્ય કોઈ રીતે દાનની રકમનો ઉપયોગ કરી શકાય છે. એવું જરૂરી નથી કે દાન ફક્ત મનુષ્યો માટે જ આપી શકાય, સૃષ્ટિનાં દરેક જીવ સમાન છે. જો વ્યક્તિને ઈચ્છા હોય તો તે પશુ-પંખી કે પ્રાણીઓ માટે પણ અનુદાન આપી શકે છે. જે તેમને જમાડવામાં કે ઈજાગ્રસ્ત જીવોની સારવાર કરવા માટે વપરાઈ છે. વળી શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે પશુ-પંખી કે પ્રાણી માટે અનુદાન આપવાથી ગ્રહોની પીડા પણ સમાપ્ત કરી શકાય છે. આ આંતરરાષ્ટ્રીય દાન દિવસ પર સૌ દાનનું મહત્વ સમજીએ અને ફૂલ નહી તો ફૂલની પાંખડી જેટલું દાન અવશ્ય કરીએ. “ચેરીટી બીગીન્સ ફ્રોમ હોમ” સુત્રને સાર્થક કરી દાન આપવાની શરૂઆત આપણા ખુદથી કરીએ. પંછી પાની પીને સે, ઘટે ન સરિતા નીર. ધર્મ કિયે ધન ના ઘટે, સહાય કરે રઘુવીર.
– મિત્તલ ખેતાણી(મો. 98242 21999)