• ‘કેન્સર’ એટલે ‘કેન્સલ’ નહીં

કેન્સર નિવારણ અને વહેલી તકે તપાસ અંગે જાગૃતિ લાવવા ‘રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ’ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય કેન્સર નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત 1975માં દેશમાં કેન્સરની સારવારની સુવિધાનાં હેતુથી કરવામાં આવી હતી. ‘રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ’ પ્રખ્યાત વૈજ્ઞાનિક મેડમ ક્યુરીની જન્મજયંતિએ 7 નવેમ્બરનાં રોજ ઉજવવામાં આવે છે. તમાકુ અથવા ગુટખાનાં લાંબાગાળાનાં સેવન, સિગારેટ પીવી, દારૂ પીવો, લાંબા સમય સુધી રેડિયેશનનાં  સંપર્કમાં રહેવું, આનુવંશિક ખામી, શારીરિક નિષ્ક્રિયતા, નબળું પોષણ અને કેટલીકવાર મેદસ્વીપણું પણ કેન્સરનું કારણ બની શકે છે. સતત ખાંસી અને ગળું બેસી જવું, ત્વચાનાં રંગમાં ફેરફાર, વારંવાર લોહી આવવું, શરીરમાં દુખાવા થવા, સ્ટુલમાં લોહી, યુરીનમાં ફેરફાર વગેરે તેના લક્ષણો છે. કેન્સર એ રોગોનાં જૂથનું એક સામાન્ય નામ છે, જેમાં શરીરનાં અંદરના કેટલાક કોષો અમુક કારણોસર અનિયંત્રિત બનીને વધે છે. સારવાર ન થવાથી તે આસપાસની સામાન્ય પેશીઓમાં અથવા શરીરનાં અન્ય ભાગોમાં ફેલાય છે અને તે ગંભીર બીમારી, અપંગતા અને મૃત્યુનું કારણ બની શકે છે. ભારતમાં સૌથી વધારે કેન્સરનાં કેસો પંજાબમાં જોવા મળે છે જેના કારણે ત્યાં ‘કેન્સર ટ્રેન’ પણ ચલાવવામાં આવે છે. આ પાછળનું કારણે જમીન અને પાણીનું સતત થતું પ્રદુષણ છે. આ ઉપરાંત તમાકુમાં મળી આવતું નિકોટીન, જંક ફૂડમાં રહેલા પ્રિઝર્વેટિવ્સ, જંતુનાશકો અને અન્ય હાનિકારક ઘટકો, આર્સેનિક, બેન્ઝિન, એસ્બેસ્ટોસ અને જેવા પર્યાવરણીય ઝેરી પદાર્થો, માંસાહાર જેવા પદાર્થો કેન્સરનાં જોખમો વધારે છે. સંતૃપ્ત ચરબી ધરાવતો ખોરાક (માંસાહાર) ખાવાથી માનવશરીરમાં ઘણી પરેશાનીઓ ઉભી થવાની શક્યતા રહે છે. બ્લડ-પ્રેશર, કોલેસ્ટેરોલથી શરૂ કરીને મેદસ્વીપણાની સમસ્યાનો શિકાર બનતાં વાર નથી લાગતી ! લાંબાગાળે માંસાહારની આદત શરીરમાં બિમારીઓને આમંત્રણ આપે છે, જે મનુષ્યની ઉંમર ઘટાડવાનું કામ કરે છે. ડોક્ટર્સ અને સંશોધકો લાંબી આયુ માટે, નીરોગી રહેવા માટે શાકાહાર પર પસંદ ઉતારવાની તાકીદ કરે છે તે પાચનતંત્ર માટે સુયોગ્ય ખોરાક છે. વેજિટેરિયન ખોરાકમાં રહેલું ફાઇબર પાચનતંત્રને વધુ કાર્યક્ષમ અને બહેતર બનાવવાનું કામ કરે છે. નોન-વેજ ફૂડમાં ફાઇબરનું પ્રમાણ ઓછું હોવાથી તે આરોગનાર વ્યક્તિને પાચન-સંબંધી ઘણી સમસ્યાઓ નડે છે. ફ્રૂટ, શાકભાજી, કઠોળ વગેરેમાં ફાઇબરનું પ્રમાણ ખાસ્સું વધારે હોવાથી હેલ્થ એક્સપર્ટ્સ હંમેશા શાકાહારને વધુ પ્રાધાન્ય આપે છે. શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી વધારવા માટે શાકભાજી સાથે દેશી ગાયનાં દૂધનો પણ ઉપયોગ કરી શકાય છે. કેન્સરને મટાડવા માટે ‘પંચગવ્ય ચિકિત્સા’ને પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ગાયનાં ગૌમૂત્રનાં ઉપયોગથી કેન્સર મટ્યાનાં ઘણા દાખલા છે. ભારતનાં પ્રાચીન ઈતિહાસ પર નજર કરીએ તો ઋષિમુનીઓ પણ શાકાહાર કરવાની તેમજ શરીરને સ્વસ્થ રાખવા માટે આયુર્વેદને અનુસરવા જણાવ્યું છે. ‘આયુર્વેદ’ ભારતની સંસ્કૃતિ છે. કોરોના મહામારીનાં જે કાળ માંથી વિશ્વ જે રીતે પસાર થયું ત્યારે સમગ્ર વિશ્વએ આયુર્વેદનો સ્વીકાર કર્યો છે. ચરક ઋષિનું ‘ચરક સંહિતા’ અને સુશ્રુત ઋષિનું ‘સુશ્રુત સંહિતા’ ભારતનાં આયુર્વેદિક વારસાનાં મહત્વનાં ઉદાહરણો છે. 

કેન્સર એ ચેપી રોગ નથી માટે તેનાથી ગભરાવવું ન જોઈએ. સ્વસ્થ જીવનશૈલીને અનુસરવાથી આવા હાનિકારક રોગોથી બચી શકાય છે.   

– મિત્તલ ખેતાણી(મો. 98242 21999)

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *