ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનાં વખતમાં 8મી ઓગસ્ટ, ઇ. સ. 1942નાં દિને ગાંધીજી દ્વારા કરાયેલા આહ્‌વાન પર “ભારત છોડો” આંદોલનનો આરંભ થયો હતો. આ આંદોલન ભારત દેશનાં લોકોને તુરંત આઝાદ કરવા માટે અંગ્રેજી શાસન વિરુદ્ધ એક નાગરિક અવજ્ઞા આંદોલન (civil disobedience movement) હતું. ક્રિપ્સ મિશન (The Cripps mission)માં વિફ઼ળતા મળ્યા બાદ મહાત્મા ગાંધીએ બ્રિટિશ શાસનની વિરુદ્ધમાં પોતાનું ત્રીજું મોટું આંદોલન છેડવાનો ફેંસલો કર્યો હતો. ઓગસ્ટ 1942માં શરૂ થયેલા આ આંદોલનને ‘અંગ્રેજો ભારત છોડો’ એવું નામ આપવામાં આવ્યું હતું. આ આંદોલનમાં સમગ્ર દેશ શામેલ થયો હતો જેની અંગ્રેજ સરકાર પર ખુબ ઊંડી અસર પડી હતી. આ આંદોલન ભારતની આઝાદી માટે ખુબ મહત્વપૂર્ણ આંદોલન પુરવાર થયું હતું. આંદોલનની શરૂઆતમાં જ ગાંધીજીને તત્કાળ ગિરફ઼્તાર કરી લેવામાં આવ્યા હતા. આમ છતાં દેશ ભરના યુવા કાર્યકર્તાઓ હડતાળો અને તોડફ઼ોડ કરીને આંદોલન ચલાવતા રહ્યા હતા. સરકારી આંકડા મુજબ આ આંદોલનમાં 900 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 60હજારથી વધુ લોકોની ધરપક્કડ કરવામાં આવી હતી. અંગ્રેજોએ આ આંદોલનના પ્રતિરોધમાં અત્યંત સખ્ત વલણ અપનાવ્યું હતું. આમ છતાં આ વિદ્રોહને ડામવા માટે સરકારને એક વર્ષથી પણ વધારે સમય લાગ્યો હતો. ભારત દેશ આઝાદ થયો તેને સાડા સાત દાયકાઓ જેટલો સમય થઈ ગયો છે, કેટલાય લોકોનો ભોગ લેવાયો, રાષ્ટ્રમાં વસતા લોકોને એક સારી જિંદગી આપવા માટે આઝાદીનાં લડવૈયાઓએ અથાગ પ્રયત્નો કર્યા જેમાં “હિંદ છોડો“ આંદોલને ખુબ અગત્યનો ભાગ ભજવ્યો છે. વસ્તુત: આ મહા ભોગે મળેલી આઝાદીનો આપણે કેવો અને કેટલો ઉપયોગ કરીએ છીએ તે વ્યક્તિની પોતાની સમજ, શક્તિ અને વ્યવહાર પર નિર્ભર કરે છે. આઝાદીનાં આટલા વર્ષો પછી હજુ પણ આપણો દેશ ભ્રષ્ટાચાર, દુરાચાર, બેરોજગારી, મોંઘવારી જેવી બાબતોથી લઈને કોરોના જેવી અતિ ગંભીર બાબતોનો સામનો કરી રહ્યું છે, આ કેટલે અંશે યોગ્ય છે ? આ તમામ બાબતો કેટલા સમય સુધી આમ જ અવિરત ચાલ્યા કરશે તેનો સંપૂર્ણ આધાર દેશનાં લોકો પર છે. જાગૃતિ જ સિદ્ધિ મેળવવાનું એકમાત્ર ઉપાય છે. હું જ શું કામ આમ કરું ?, શું હું એકલો બદલાવ લાવી શકું છું? , મારા એકલાથી શું થઈ જશે ? આ તમામ વાતોને અલગ મુકીને ખરેખર કોઈ સચોટ દિશાની પસંદગી કરીને કાર્ય કરવું પડશે. આપણે એ કાયમ યાદ રાખવું જોઈએ કે દેશની આઝાદી માટેની લડત લડવા માટે સૌપ્રથમ આગળ આવેલા ગાંધીજી પણ પહેલા એકલા જ હતા. આ ભારત છોડો આંદોલન દિવસ પર આપણે જાગૃત થઈને અને ભ્રષ્ટાચાર, દુરાચાર, મનની ખરાબીઓ ને છોડવી જોઈએ અને મોંઘવારી, બેરોજગારી જેવા પડકારોનો દ્રઢતાથી સામનો કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *