ધાર્મિક સામાજિક ચેતનાના પૂંજ, મહાન તપસ્વી, મહાન યોદ્ધા, મહાન કવિ, રાષ્ટ્રીય એકતાનો આદર્શ આપનાર, ભકિત અને શકિતનો સુમેળ સાધી પ્રજામાં સ્વાભિમાન અને સ્વધર્મ સન્માન માટે મરી ફીટવાની ભાવના જગાડનાર, સર્વવંશદાની એવા શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદસિંહજીનો જન્મ દિવસ. તેમણે ભારતના પૂર્વાચલમાં ગંગાતટે સ્થિત ઐતિહાસિક નગર પાટલીપુત્ર-પટનામાં માતા ગુજરીજી અને પિતા ગુરુ તેગબહાદુરજીને ત્યાં જન્મધારણ કર્યો અને દક્ષિણમાં નંદગિરિ-નાંદેડમાં દેહલીલા સંકેલી. ઉત્તરમાં હિમાલયની શ્રુંખલાઓમાં આવેલ હેમકુટથી લઈ દક્ષિણમાં ગોદાવરીના તટ સુધી તેમની જીવનયાત્રાના પ્રસંગો વણાયેલા છે. તેમની જીવનયાત્રા વાસ્તવમાં ભારતની વિવિધતામાં સમાયેલી ભાવનાત્મક એકતા, સાંસ્કૃતિક ચેતના અને રાષ્ટ્રીયતાનું પ્રતીક છે. તેમણે દેશની પ્રજાને અત્યાચારોમાંથી મુક્તિ અપાવવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા જયારે તેમને ખાતરી થઈ કે માત્ર ભકિત કે બલિદાન દ્વારા ધર્મનું રક્ષણ નહીં થઈ શકે ત્યારે ભકિત સાથે શકિતનો સુમેળ સાઘ્યો અને એક એવી પ્રજા તૈયાર કરવાની શરૂઆત કરી જે અન્યાય અને અત્યાચારનો સામનો પૂરી શૂરવીરતાથી કરે.

તે એક મહાન કવિ હતા. તેમણે પંજાબી, ફારસી, અવધિ, વ્રજ જેવી ભાષાઓની રચના કરી છે. તેમની રચનાઓમાં જાપસાહેબ, અકાલઉસ્તતિ ચંડી દી વાર, ચોબીસ અવતાર, વિચિત્ર નાટક, શસ્ત્ર નામ માલા જેવી અનેક રચનાઓ છે. દસમ ગ્રંથ ગુરુજી દ્વારા રચિત મહાન ગ્રંથ છે. તેમની રચનાઓમાં ઈશ્વરની સ્તુતિ છે. તેઓ કહેતા કે ‘વચન કર કે પાલના’ એટલે કે જો તમે કોઈને વચન આપ્યુ છે તો તેને દરેક કિંમતે નિભાવવુ જોઈએ, ‘કોઈની નિંદા, ચાડી અતૈ ઈર્ખા નૈ કરના’ એટલે કોઈની ચુગલી કે નિંદા કરવાથી આપણે બચવુ જોઈએ અને કોઈની ઈર્ષા કરવાને બદલે મહેનત કરવાથી ફાયદો થાય છે, ‘કમ કરન વિચ દરીદાર’ નહી કરના અર્થાત કામમાં ખૂબ મહેનત કરો અને કામને લઈને બેદરકારી ન રાખો.

દસમી પાતશાહી એટલે શ્રી ગુરુ ગોવિંદસિંહજી મહારાજ વિષે આજે પણ એવી માન્યતા છે કે તેઓ ક્યારેય મૃત્યુ પામ્યા જ નથી. આજે પણ તેઓ હાજરાહજૂર છે. એક દિવસ એક જંગલમાં તેઓ પોતાના ઘોડા સાથે જ અલોપ થઈ ગયા અને ત્યારબાદ તેમનાં દર્શન કોઈને થયા નથી છતાં આજે પણ લોકો તેમની પૂજા કરે છે અને તે દુનિયામાં હાજર જ છે તેવું માને છે. શીખ ધર્મમાં કલગીધર મહારાજનું ખુબ માન આપવામાં આવે છે.

– મિત્તલ ખેતાણી(મો. 98242 21999)

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *