વૈશ્વીક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જાનવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા ‘સમસ્ત મહાજન’ નાં ટ્રસ્ટી, જીવદયાનાં અનેક કાર્યોને સાકાર કરનારા, લાખો જીવોની રક્ષા અને સંભાળ કરી ચૂકેલા શ્રી યોગેશભાઈ (રાજુભાઈ) અમૃતલાલ શાહ સઘળાં’ય સંસારનો ત્યાગ કરી સંયમ પંથે સંન્યરત થવા જઈ રહ્યા છે. રાજકોટનાં જૈન અગ્રણી, સમત મહાજન રાજકોટ શાખાનાં સંચાલક, જીવદયાપ્રેમી તથા ધર્માનુરાગી રાજુભાઈ અમૃતલાલ શાહ ભગવાન મહાવીર સ્વામીના પંથે જવાનો નિર્ણય કરતાં સંઘમાં ધર્મોલ્લાસ છવાયો છે. મુમુક્ષુ  રાજુભાઈ શાહ વર્ષોથી જીવદયાની પ્રવૃત્તિમાં સંકળાયેલા છે. મોરબીમાં પાંજરાપોળની જવાબદારી તેમણે સંભાળી હતી અને તેના વિકાસમાં તેમની ભૂમિકા પ્રશંસનીય રહી હતી. તેઓ ઘણા વર્ષોથી જિનાજ્ઞાનુસાર પોતાનું જીવન પસાર કરી રહયાં છે. દૈનિક આરાધના તેમનો જીવનક્રમ બન્યો હતો. અબોલ જીવો માટે તેમણે કરેલા કાર્યને અભિનંદવા, તેમનો સંન્યાસ માર્ગ નિષ્કંટક બને તેવી શુભકામના પાઠવવા પૂ. આચાર્ય ભગવંત યશોવિજય સુરીશ્વરજી મહારાજ સાહેબની પાવન ઉપસ્થિતિમાં તથા પ.પુ. પ્રશાંતમૂર્તિ આચાર્ય ભગવંત તિર્થભદ્ર સુરીશ્વરજી મહારાજનાં આશીવાદ સાથે અભિવાદન સમારોહ તથા ગૌશાળા-પાંજરાપોળોનાં સંમેલનનું આયોજન કરાયેલ હતું. આયોજકોએ સમારોહનાં સમગ્ર આયોજન અંગે વસંતબેન વાડીલાલ વસા પરીવાર (ધોરાજીવાળા) નો ઋણ સ્વીકાર કર્યો હતો.

આ પ્રસંગે ગીરીશભાઈ શાહ (મેનેજીંગ ટ્રસ્ટી, સમસ્ત મહાજન)ની શુભેચ્છાઓ પ્રાપ્ત થઈ હતી. આ દિવ્ય સમારોહમાં ચંદુકાંતભાઈ શેઠ (પ્રમુખશ્રી, રોયલ પાર્ક જૈન સંઘ), જીતુભાઈ દેસાઈ (પ્રમુખશ્રી, દાદાવાડી સંઘ), પ્રકાશભાઈ વસા, જીતુભાઈ વસા, મહેશભાઈ વસા, દિનેશભાઈ પારેખ (પ્રમુખશ્રી, જાગનાથ જૈન સંઘ), અમીનેષભાઈ રૂપાણી, એડવોકેટ દિલેશભાઈ શાહ, વિમલભાઈ શેઠ, વિમલભાઈ ધામી, પ્રફુલભાઈ ધામી, સુનીલભાઈ કોઠારી, પ્રતાપભાઈ વોરા, જયંતીભાઈ મોદી, હરેશભાઈ શાહ, મુકેશભાઈ બાટવીયા, બકુલભાઈ રૂપાણી, યોગેશભાઈ શાહ, જીવદયા ગ્રુપનાં સભ્યો, પ્રકાશભાઈ મોદી, પારાભાઈ મોદી સહિતનાં અનેકો શ્રેષ્ઠીઓ તેમજ ગુજરાતની ગૌશાળા પાંજરાપોળોનાં ટ્રસ્ટીઓ, સંચાલકો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. અભિવાદન સમારોહની સાથોસાથ યોજાયેલા ગૌશાળા પાંજરાપોળોનાં સંમેલનમાં જીવદયા સંસ્થાઓને સ્વાવલંબન તરફ વાળવા, ગૌ આધારીત સાંસ્કૃતીનું પુનઃસ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ આરોગ્ય અને પર્યાવરણર્થે જનજાગરણ, ગૌપાલન, જીવરક્ષા અંગેના વિવિધ કાયદાઓનું નિર્માણ તથા હાલનાં કાયદાઓનાં કડક અમલીકરણ, ગૌસંવર્ધનને પ્રોત્સાહન, ગૌશાળા-પાંજરાપોળની આંતર માળખાકિય સુવિધાઓ ઉભી કરવા, પશુ-પક્ષીઓનાં આરોગ્યની જાળવણી, ભાવના અને વિજ્ઞાનનો સમન્વય, માનવ માત્રમાં પક્ષીઓ, પ્રાણીઓ પ્રત્યે વધુ કરૂણા જગાડવા, વરસાદી પાણીનો સંગ્રહ, સ્વદેશી વૃક્ષોનું વાવેતર, છોડવાની બને ત્યાં સુધી જાળવણી, જળ સંરક્ષણ, ખેડૂત સમૃધ્ધિ, સ્વચ્છ દૂધ ઉત્પાદનોની ઉપલબ્ધી, પાકની રક્ષા માટે અહિંસક-સ્વદેશી ઉપચારો, શાકાહાર પ્રચાર-પ્રસાર સહિતનાં અનેકો મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચા કરાઈ. ગૌશાળા સંચાલન તથા વ્યવસ્થાની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે,  સમસ્ત મહાજનનાં ગીરીશભાઈ શાહનાં માર્ગદર્શનમાં ગુજરાત ખાતે રાજુભાઈ શાહ અને સમસ્ત મહાજનની ટીમ દ્વારા ગુજરાતની ૨૪૨ પાંજરાપોળોને સ્વાવલંબી બનાવવા માટે છેલ્લા ૧૦ વર્ષથી અતિ દુષ્કર કાર્ય સમસ્ત મહાજન કરી રહ્યું છે.

સમગ્ર આયોજન અંગે સમસ્ત મહાજનનાં મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, કુમારપાળ શાહ, કેતન સંઘવી, ઘીરેન્દ્ર કાનાબાર, રમેશભાઈ ઠકકર, અમીત દેસાઈ સહિતનાની ટીમે જહેમત ઉઠાવી હતી.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *