રાજકોટમાં આત્મીય યુનિવર્સિટીના ચેર ઓડિટોરિયમમાં “ભારતના પુન: નિર્માણમાં મહિલાઓનું યોગદાન” વિષય પર ૨૬ સપ્ટેમ્બરના રોજ સાંજે ૪:૩૦ કલાકે ઉદ્બોધન કરશે.
સામાજિક, સાંસ્કૃતિક, સંગઠનાત્મક કાર્ય કરતી મહિલા અગ્રણીઓને કાર્યક્રર્મમાં ભાગ લેવા શ્રીમતી હંસિકાબેન મણીયાર , શ્રીમતી કાંતાબેન કથીરિયા અને શ્રીમતી જસ્મિનબેન પાઠક ની અપીલ.
રાજકોટ: રાષ્ટ્ર સેવિકા સમિતિ સમગ્ર દેશમાં અને વિદેશોમાં પણ બહેનોને સંગઠિત કરી સંસ્કાર ક્ષમ અને સુરક્ષિત કરવાનું કાર્ય કરે છે. મહિલાઓને રાષ્ટ્રભક્તિ, સેવા, સમર્પણ, શૌર્ય, ત્યાગ અને બલિદાનના સંસ્કારોનું સિંચન કરે છે. ભારત વર્ષને વિશ્વ ગુરુ બનાવવામાં યોગદાન આપવા માટે પ્રેરિત કરે છે. સમગ્ર દેશ જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ “આઝાદીનો અમૃત મહોત્સવ” ઉજવી રહ્યું છે, ત્યારે બહેનો પણ રાષ્ટ્ર વિકાસના આ મહાયજ્ઞમાં આહુતિ અર્પે એવા પવિત્ર ઉદ્દેશથી સેવિકા સમિતિ કાર્યરત છે. આ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રભક્ત સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખ સંચાલિકા વંદનીય શાંતાક્કાજી સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રવાસે તારીખ ૨૬ સપ્ટેમ્બરના રોજ પધારી રહ્યા છે. રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા “ભારતના પુનઃ નિર્માણમાં મહિલાઓનું યોગદાન” વિષય પર વંદનીય શાંતાક્કાજીના માનનીય પ્રવચન નું આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર સૌરાષ્ટ્રની સામાજિક, શૈક્ષણિક, સ્વેચ્છિક, રચનાત્મક અને સેવિકા સમિતિ સંલગ્ન સેવિકા બહેનો માટેના આ બૌદ્ધિક કાર્યક્રમમાં આત્મીય યુનિવર્સિટી ના પ્રો. ચાન્સેલર પ્રો. શીલા રામચંદ્રન, સાંખ્યયોગી બહેન પૂજ્ય શ્રી સુબોધ બહેન, રાજકોટના સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. અમીબેન મહેતા અને સમિતિના ક્ષેત્ર કાર્યવાહિકા શ્રીમતી રાજશ્રીબેન જાની મુખ્ય મહેમાનો તરીકે ઉપસ્થિત રહેશે.
કાલાવડ રોડ સ્થિત આત્મીય યુનિવર્સિટીના કેમ્પસમાં મુખ્ય બિલ્ડિંગના પ્રથમ માળે આવેલા ચેર ઓડિટોરિયમમાં રવિવાર, તારીખ ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ સાંજે ૪:૩૦ કલાકે યોજાયેલ કાર્યક્રમમાં વંદનીય શાંતાકકાજી ના પ્રવચનનો લાભ લેવા માટે રાષ્ટ્ર સેવિકા સમિતિ ના પ્રાંત સંચાલિકા શ્રીમતી હંસિકાબેન મણીયાર, પ્રાંત કાર્યવાહિકા શ્રીમતી નીતાબેન જાની, પ્રાંત સંપર્ક પ્રમુખ શ્રીમતી કાંતાબેન કથીરિયા અને રાજકોટ મહાનગર કાર્યવાહિકા જસ્મિનબેન પાઠકે વિશાળ સંખ્યામાં મહિલાઓને ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે.
નિવેદનના અંતમાં શ્રીમતી કાંતાબેન કથીરિયાએ કોરોના ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરવાનું અને સમય પહેલાં ૧૫ મીનીટે સૌ બહેનો એ સ્થાન લઇ લેવા વિનંતી કરી છે.
