
“31 વર્ષીય ગૌ પર્યાવરણ અને આધ્યાત્મ ચેતના યાત્રા”નો સંકલ્પ યાત્રા નિમિત્તે રાજકોટમાં સંમેલન યોજાયું.
“31 વર્ષીય ગૌ પર્યાવરણ અને આધ્યાત્મ ચેતના યાત્રા” કે જે 4 ડિસેમ્બર, 2012નાં સમયગાળાથી આરંભ થઈ હતી તેનાં પ્રખર પ્રણેતા પરમ તપસ્વી ગોભક્ત સંત શ્રી પરમ પૂજ્ય સાધ્વીજી આરાધનાદીદી અને પરમ પૂજ્ય સાધ્વીજી નિષ્ઠાદીદી રાજકોટ પધાર્યા છે. તેમની ગૌ પર્યાવરણ અને આધ્યાત્મ ચેતના યાત્રા 3 ડિસેમ્બર, 2043નાં સમયગાળા દરમિયાન પૂર્ણ થશે. આ સમય દરમિયાન તેઓ ગામે ગામ ફરીને સૌને ગૌસેવાનો અને એ થકી રાષ્ટ્ર સેવાનો ઉપદેશ આપી રહ્યા છે.
સાધ્વીજી આરાધના દીદીનો જન્મ ઇ.સ. 1998માં રાજસ્થાન રાજ્યનાં ઝાલાવાડ ગામનાં મનોહરથાના ગામનાં એક નાનકડા ગામમાં થયો હતો. તેઓએ છેલ્લા સાડા 6 વર્ષોથી પોતાના ઘર પરિવારનો ત્યાગ કર્યો છે. તેમણે 5 વર્ષોથી અન્નનો પણ ત્યાગ કર્યો છે. સાધ્વીજી નિષ્ઠાદીદીનો જન્મ ઇ.સ. 1993માં ઉદયપુર જિલ્લાનાં કાનોડ ગામમાં એક સામાન્ય બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે ઉદયપુરમાં જ બી.એસ.સી અને ડી ફાર્માનો પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા પછી પોતાની કારકીર્દી અને ભવિષ્યનાં વિષયમાં ઊંડાણ પૂર્વક વિચાર મંથન ન કરી, તેઓએ પોતાના ભગવાનની પ્રેરણા લઈને 4 વર્ષો પહેલાં જ પોતાનું ગૃહ ત્યાગ કર્યું અને પોતાનું જીવન ગૌ તથા રાષ્ટ્ર સેવાને સમર્પિત કર્યું.
સાધ્વીજી 4 વર્ષોથી ગૌ સેવા અર્થે 100થી પણ વધુ કથાઓ કરવામાં અને એ દ્વારા દરેક નાનામાં નાના ગામ કે શહેરમાં વસતા લોકો સુધી ગૌ સેવાનો મહિમા પહોંચાડ્યો છે તેમજ ઘણા ઘરોમાં પહેલાંની જેમ ગૌમાતાને ફરી સ્થાન અપાવા માટે નિમિત્ત પણ બન્યા છે. સાધ્વીજી ગૌમાતાનો મહિમા પ્રગટ કરતા જણાવે છે કે ગાય પ્રાણી નથી પરંતુ વૈદિક ધર્મનો પ્રાણ છે. જે ગાયને જગત નાથ એવા ઠાકોરજી ચરણ પાદુકા પહેર્યા વગર જંગલમાં ચરાવવા લઈ જતાં એ સામાન્ય હોય જ ન શકે. ગૌમાતાનું તો દેવતાઓ પણ પૂજન કરે છે. એ માત્ર હરતું ફરતું તીર્થ જ નહીં પરંતુ હરતું ફરતું ઔષધાલય પણ છે. ગૌમાતાનાં દર્શનમાં ફક્ત તીર્થો અને દેવોનું દર્શન નથી, ગૌમાતા અસાધ્ય રોગોની ઔષધિ પણ પોતાનાં ભક્તોને કોઈ પણ ફી વસુલ્યા વગર આપી દે છે. તેમણે પોતાના વક્તવ્યમાં વ્યક્ત કર્યું કે ગૌમાતા સૃષ્ટિની ધરી છે. ગૌમાતા જ નહીં બચે તો આ સૃષ્ટિ પણ નહીં બચે. સૃષ્ટિનો સમગ્રપણે નાશ થશે. તેમણે કહ્યું હતું કે સૃષ્ટિમાં માત્ર ગૌમાતા જ છે જેમનાં મળ, મૂત્રને પવિત્ર માનવામાં આવે છે અને તેને પૂજાની સામગ્રીમાં પણ ઉમેરવામાં આવે છે ઉપરાંત તેને ભગવાનને પણ અર્પણ કરવામાં આવે છે. ગૌમાતાની મહિમાને માત્ર સમજવાની અને અનુભવવાની આવશ્યકતા છે. જેવી રીતે ઇલેક્ટ્રોનિક તારોમાં વહેતો કરંટ દેખાતો નથી, એને માત્ર પ્રકાશ રૂપે અનુભવવામાં આવે છે એવી જ રીતે ગૌમાતાની પણ વિલક્ષણ મહિમાને મહેસૂસ કરવાની આવશ્યકતા છે. માણસ માટે તો જન્મથી લઈને મૃત્યુ સુધી ગૌમાતા ઉપયોગી છે. આ જ કારણોસર માણસે ગૌ રક્ષણ કરવું ફરજિયાત બની જાય છે.
31 વર્ષીય પદયાત્રાનાં પ્રખર પ્રણેતા પ.પૂ સાધ્વીજી આરાધનાદીદી અને નીષ્ઠાદીદીને લોકો દીદીજી કહીને પણ ઓળખાવે છે. દીદીજીએ સમગ્ર દેશમાં ગૌ પ્રચાર કરવાની સાથે પોતાની રહેણીકરણીમાં પણ ઘણા ફેરફારો કર્યા છે. તેઓ ખૂબ સાદું જીવન જીવે છે. તેઓ છેલ્લા 4 વર્ષોથી અન્ન ગ્રહણ નથી કરી રહ્યા, તેઓ બુટ ચપ્પલ પણ નથી પહેરતા, તેઓએ ગાદી કે પલંગનો પણ ત્યાગ કર્યો છે. તેઓ પોતાના આશ્રમ માટે દાન, દક્ષિણાનો સ્વીકાર નથી કરતા અને રૂપિયાનો સ્પર્શ પણ નથી કરતા, તેઓ પોતાના વસ્ત્રોમાં ખિસ્સા પણ નથી રાખતા. તેમનું બેંકમાં કોઈ ખાતું નથી કે નથી કોઈ રસીદ બુક કે દાનપેટી. તેઓ મોબાઈલનો પણ ઉપયોગ નથી કરતાં. તેઓ પદ-પ્રતિષ્ઠા, માન-સન્માન, સ્વાગત-સત્કાર કે માળાનો પણ સ્વીકાર નથી કરતાં, કથા કે પ્રવચનની સાધન સામગ્રી પર પોતાનું નામ કે ચિત્ર નથી છપાવતા, અભાવગ્રસ્ત ગૌશાળાઓ અને ચિકિત્સાલયોને આર્થિક સહયોગ આપે છે, કોઈ પણ પ્રકારની રકમ વસુલ્યા વગર તેઓ લોકોને રોગમુક્ત, સંકટ મુક્ત, દુઃખ મુક્ત થવાનાં ઉપાયો પણ આપે છે, પર્યાવરણ રક્ષા હેતુ સમગ્ર દેશમાં જાગૃતિ ફેલાવે છે,તેમણે ઘણા સમય સુધી જીવવા માટે માત્ર ગૌમૂત્રનો આધાર લઈને વિશ્વ કલ્યાણ માટે તપ પણ કર્યું છે. તેઓ નાના ગામડાઓ, કસબાઓ અને શહેરોમાં ફરીને લોકોને ગૌ મહિમા સંભળાવે છે, પહેલાંનાં સમયની જેમ ઘરે ઘરે ગૌમાતા બંધાવીને ગૌ સેવાનાં કાર્ય માટે માર્ગદર્શન અને શક્તિ આપે છે.તેઓ વૃક્ષારોપણ, પ્લાસ્ટિક પ્રતિબંધ, બેટી બચાઓ, સ્વચ્છતા અભિયાન, નશા મુક્તિ અને આનંદિત રહો જેવા સમાજોપયોગી અભિયાનોનાં માધ્યમથી જન જાગૃતિનું કાર્ય કરે છે. તેઓ વૈજ્ઞાનિક, વૈદિક તેમજ પૌરાણિક પદ્ધતિઓથી દરેકની સમસ્યાનું સમાધાન લાવીને નિરંતર ધર્મ પ્રચારનાં કાર્યોમાં વ્યસ્ત રહે છે. તેમણે 31 વર્ષો માટે ગૌરક્ષા, રાષ્ટ્ર રક્ષા, પર્યાવરણ રક્ષા, સ્વાસ્થ્ય રક્ષા અને વિશ્વ કલ્યાણ માટે દ્રઢ સંકલ્પ કર્યો છે.
આવા મહાન તપસ્વી, ક્રાંતિકારી, રાષ્ટ્રભક્ત, ગોભક્ત, ભૈરવની ઉપાસનાં કરનાર ગ્વાલ સંત સાધ્વીજી 75000 કિલોમીટરની યાત્રા કરતાં કરતાં 18000થી પણ વધુ ગામો, કસબાઓ, શહેરોમાં ગૌસેવા, પ્રાણીસેવા, વૃક્ષ સેવા, જન સેવાની પ્રેરણા આપતાં આપતાં આપણા શહેરમાં પધાર્યા છે. રાજકોટ ખાતેની તેમની વ્યવસ્થા માટે એનીમલ હેલ્પલાઇનનાં મિત્તલ ખેતાણી, રમેશભાઈ ઠક્કર, પ્રતિક સંઘાણી, ધર્મેશભાઈ કક્કડ સહિતની ટીમે જહેમત ઉઠાવી રહ્યા છે. આ બાબતે પત્રકારોને માહિતી આપવા રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું.